વડોદરાઃ વડોદરાની વિશ્વામિત્રી નદી કિનારે સફાઈ અને કાટમાળ હટાવવાની કામગીરી ઐતિહાસિક સિક્કા મળી આવ્યાં છે. આ ઐતિહાસિક સિક્કાઓ ગાયકવાડ શાસનકાળના હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સિક્કા મહારાજા મલ્હારરાવ ગાયકવાડ અને સર સયાજીરાવ ગાયકવાડના સમયના છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અકોટા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પટમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે આ સિક્કા મળી આવ્યાં! આ સિક્કાઓમાંથી એક સિક્કા પર મલ્હારરાવનું નામ કોતરેલું છે. જેથી ગાયકવાડના સમયના છે તેવું લાગી રહ્યું છે.
એક સિક્કા પર મલ્હારરાવનું નામ કોતરેલું છે
ઈતિહાસની વાત કરવામાં આવે તો, 1870માં જ્યારે મહારાજા ખંડેરાવ ગાયકવાડનું નિધન થયું ત્યારે આ ગાદી તેમના ભાઈ મલ્હારરાવને આપવામાં આવી હતી. મલ્હારરાવ ગાયકવાડ અનેક ઐતિહાસિક અને સર્જનાત્મક કાર્યો માટે જાણીતા છે. તેમના શાસનકાળમાં અનેક બાંધકામો થયેલા છે. આ સિક્કાઓ પર પણ તેમનું નામ મળી આવ્યું છે. પોતાના શાસનકાળમાં રાજાઓ સિક્કાઓ પર પોતાનું નામ કોતરાવતા હતા.
અકોટામાં વર્ષો પહેલા પણ માનવ વસ્તીનો વસવાટ હતો
આ સિક્કાઓને પુરાતત્વ વિભાગને સોંપી દેવામાં આવ્યાં છે, જ્યાં હવે તેનો વધારે અભ્યાસ કરવામાં આવશે. જે વિસ્તારમાંથી આ સિક્કાઓ મળ્યાં છે તે અકોટા વિસ્તારમાં વર્ષો પહેલા પણ માનવ વસ્તી હોવાના પુરાવા મળેલા છે. જ્યાં વર્ષો સુધી માનવ વસ્તીએ વસવાટ કર્યો હોય ત્યાંથી સિક્કા મળી આવે તે સામાન્ય વાત છે. આ પહેલા પણ અહીંથી ઈસ પૂર્વના સિક્કાઓ મળી આવ્યાં છે.
#Vadodara વિશ્વામિત્રી નદીમાંથી ગાયકવાડ શાસનકાળના 10 ઐતિહાસિક સિક્કા મળી આવ્યા #Gayakwadpic.twitter.com/8AtgPiLH75
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) July 31, 2026
અત્યારે જે સિક્કાઓ મળી આવ્યાં તે તાંબાના છે. જેમાં ચંદ્ર અને કમળની છાપ પણ જોવા મળી છે. આ સાથે આ સિક્કા 1870થી 1881 વચ્ચેના હોવાનું અનુમાન છે. કેટલાક સિક્કા પર 1882ની સાલ ચિતરેલી છે. આ સાથે આ વિસ્તારમાં વધુ કોઈ સિક્કા મળી આવે તો પણ નવાઈ નથી.