વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી કિસ્મત ચોકડી પાસે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વરસાદના કારણે ભીના થયેલા રસ્તા પર એક એક્ટિવા સ્લીપ થઈ જતાં રોડ પરથી પસાર થઈ રહેલા એક રોડ રોલર નીચે કચડાઈ જવાથી એક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવતીની ઓળખ તાંદલજામાં ફેથ સ્કૂલ પાસે રહેતી 19 વર્ષીય મહિનબાનુ ઇરશાદ અલી સૈયદ તરીકે થઈ છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, અકસ્માતના દ્રશ્યો કાળજું કંપાવી નાખે તેવા હતા.
મળતી વિગતો અનુસાર, મહિનબાનુ પોતાની અન્ય બે સહેલીઓ સાથે એક્ટિવા પર બેસીને ઘરે જઈ રહી હતી. તે જ સમયે રસ્તા પર રોડ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું અને એક રોડ રોલર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. અચાનક એક્ટિવા સ્લીપ થતાં ત્રણેય યુવતીઓ રસ્તા પર પટકાઈ હતી. કમનસીબે, મહિનબાનુ સીધી જ રોડ રોલરની અડફેટે આવી ગઈ હતી અને રોલર તેના પર ફરી વળતા તેનું કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે તેની અન્ય બે સહેલીઓનો આબાદ બચાવ થયો હતો અને તેમને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
આ ગોઝારા અકસ્માત અંગેની જાણ થતાની સાથે જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને યુવતીના પરિવારજનો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, પરંતુ તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જીને રોડ રોલરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી હતી.