Tue Aug 18 2026

Logo

ભારત સહિત 5 દેશો પર 100 ટકા ટેરિફ લગાવશે અમેરિકા! રશિયા પર પ્રતિબંધ લગાવતું બિલ સીનેટમાં પાસ

2026-08-08 08:21:18
Author: Mumbai Samachar Team
Article Image

રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાએ નવો આર્થિક મોરચો ખોલી દીધો છે. આ વખતે નિશાના પર માત્ર રશિયા જ નહીં પરંતુ તેના તેલ ખરીદનાર દેશો પણ છે. અમેરિકી સેનેટે એક પ્રતિબંધ બિલ પસાર કર્યું છે, જે કાયદો બનવા પર ભારત અને ચીન જેવા દેશો પર પણ ભારે આર્થિક દબાણ બનાવી શકે છે.

આ બિલ હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એ અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ એવા દેશો પર 100% સુધીનો ટેરિફ લગાવી શકે, જે રશિયા પાસેથી તેલ અને ગેસની ખરીદી ચાલુ રાખશે. કારણ કે ભારત અને ચીન રશિયાના સૌથી મોટા તેલ ખરીદદારોમાં સામેલ છે, તેથી આ જોગવાઈ સીધી રીતે આ બંને દેશો પર અસર કરી શકે છે.
હાલમાં ચીન, ભારત, અજરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયા રશિયાથી તેલ અને ગેસના ટોપ 5 ખરીદાર છે. 

રશિયાની કમાણી પર સીધો હુમલો

બિલનો બીજો મોટો હિસ્સો સીધો રશિયાને નિશાના પર લે છે. તેમાં રશિયાથી આવતા તેલ અને ગેસ સહિત અન્ય આયાત પર 500% સુધીનો ટેરિફ (જકાત) લગાવવાની વાત કહેવામાં આવી છે.

આ ઉપરાંત રશિયન અધિકારીઓ, ઓલિગાર્ક્સ (ધનકુબેરો), નાણાકીય સંસ્થાઓ અને તે તથાકથિત ‘શેડો ફ્લીટ’ (ગુપ્ત જહાજોના કાફલા) પર પણ સખત પ્રતિબંધો લાદવામાં આવશે, જેનો ઉપયોગ રશિયા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચીને તેલ નિકાસ કરવા માટે કરે છે.

અમેરિકા શા માટે ટેરિફ લગાવી રહ્યું છે?

બિલના સમર્થકોનું કહેવું છે કે રશિયાની સૌથી મોટી તાકાત તેની તેલ અને ગેસમાંથી થતી કમાણી છે, અને આને જ નિશાનો બનાવીને યુદ્ધની આર્થિક કમર તોડી શકાય છે.

આ બિલનું નામ દિવંગત સેનેટર લિન્ડસે ગ્રેહામના નામ પર રાખવામાં આવ્યું છે. તેમણે પોતાના અવસાન (11 જુલાઈ) પહેલાં એક વર્ષથી વધુ સમય સુધી આ કાયદા માટે સમર્થન એકઠું કર્યું હતું. તેમની આ પહેલને આગળ ધપાવતા હવે સીનેટે તેને પસાર કરી દીધું છે. 

સવાલ એ ઊભો થાય છે કે શું આ બિલ પાસ થવાથી ભારત પર સીધો 100 ટકા ટેરિફ (જકાત) લાગવા જઈ રહ્યો છે?

શું ભારત પર 100 ટકા ટેરિફ લાગશે?

જોકે, આ બિલ હજુ કાયદો બન્યું નથી. તેને હવે 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ'માં રજૂ કરવામાં આવશે, જ્યાં ઉનાળાની રજાઓના કારણે સપ્ટેમ્બર પહેલાં વોટિંગ (મતદાન) થાય તેવી શક્યતા નથી. એટલે કે હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે, પરંતુ જો તે પાસ થઈ જશે તો તેની સીધી અસર ગ્લોબલ (વૈશ્વિક) ઊર્જા બજાર પર પડશે.

જો આ બિલ કાયદો બની જશે, તો ભારત સામે સીધો પડકાર ઊભો થઈ શકે છે. એક તરફ સસ્તું રશિયન તેલ અને બીજી તરફ અમેરિકાનું સંભવિત ટેરિફ દબાણ. તેથી ભારતે ખૂબ જ વિચારીને (ફૂંકી-ફૂંકીને) પગલાં ભરવાં પડશે. આ ભારતની વિદેશ નીતિ માટે પણ એક આકરી પરીક્ષા હશે.

રશિયાની પ્રતિક્રિયા

અમેરિકામાં રશિયન દૂતાવાસે આ બિલની ટીકા કરતા કહ્યું કે આનાથી અમેરિકાને જ નુકસાન થશે. બીજી તરફ, યુરોપીયન યુનિયન (EU) પણ રશિયા પર દબાણ વધારી રહ્યું છે અને 2022ના આક્રમણ પછી અત્યાર સુધીમાં 21મું પ્રતિબંધ પેકેજ લાગુ કરી ચૂક્યું છે, જેમાં રશિયાના નાણાકીય નેટવર્ક અને ઊર્જામાંથી થતી આવકને નિશાને લેવામાં આવ્યા છે.