Wed Jul 29 2026

Logo

ચિંતનઃ એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ એક સત્ય-અનેક સ્વરૂપ

2026-05-18 09:43:00
Author: Hemu Bhikhu
Article Image

 હેમુ ભીખુ

સત્ય એક જ છે, પરંતુ વિદ્વાનો તેને અનેક નામ-રૂપમાં કહે છે. પરિસ્થિતિ થોડી જટિલ છે. ગીતામાં સ્વયં શ્રીકૃષ્ણ કહે છે કે ‘જે પરબ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું’. અન્ય સ્થાને ગીતામાં જ એમ જણાવાયું છે કે ‘હું મૃત્યુ છું અને અમૃત પણ, સત્ય છું અને અસત્ય પણ’. તેની અપેક્ષાએ અહીં વેદમાં એક સત્યની વાત કહેવામાં આવી છે. અહીં એ પણ કહેવાયું છે કે આ સત્યને વિદ્વાનો વિવિધ રીતે સ્થાપિત કરે છે, અભિવ્યક્ત કરે છે, સમજાવે છે. 

સનાતની તત્ત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોમાંનો, ઋગ્વેદમાં દર્શાવાયેલ આ એક અદ્ભુત સિદ્ધાંત છે. ઋગ્વેદના સંદર્ભમાં તો ઇન્દ્ર, મિત્ર, અગ્નિ કે એવાં અન્ય સ્વરૂપની વાત પણ જોવાં મળે છે, પરંતુ આ સિદ્ધાંતનો વ્યાપ ઘણો વિસ્તૃત છે.

વિદ્વાન એટલે જેની પાસે જાણકારી છે, જેણે થોડું-ઘણું ચિંતન કરેલું છે અને તેને પરિણામે જે તે વાતને, જે તે સ્વરૂપે તે સમજીને બેઠાં છે. કદાચ અહીં અનુભૂતિની વાત નથી. પંડિતને વિદ્વાન કહી શકાય, પંડિતે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય,પંડિત પાસે શાસ્ત્ર અને વિચારધારા લક્ષી અપાર માહિતી હોય. પંડિત અર્થાત્ વિદ્વાન એક જ બાબતને, જુદાં જુદાં દૃષ્ટિકોણથી, જુદાં જુદાં પરિપ્રેક્ષ્ય માં, જુદી જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન કરી શકવા સમર્થ હોય.

તેમની બૌદ્ધિક ક્ષમતાને કારણે તેઓપોતાનાં તે વખતના અભિપ્રાય માટે યોગ્ય જણાય તેવો તર્ક પણ દર્શાવી શકે. અનુભવી આ સમગ્ર પ્રક્રિયાથી એક ડગલું આગળ હોય, અંતિમ વાસ્તવિકતાની તેને જાણ હોય, અંતિમ વાસ્તવિક ‘સત્ય’ તેનાં ધ્યાનમાં હોય. તેથી જ અહીં, કદાચ, વિદ્વાનનો ઉલ્લેખ થયો છે, અનુભવીનો નહીં, જ્ઞાનીનો પણ નહીં, આત્મજ્ઞાનીનો પણ નહીં. 
સનાતની શાસ્ત્રમાં શબ્દોની પસંદગી સચોટતાથી સભાનતાપૂર્વક સ્પષ્ટ રીતે કરાઇ હોય છે તેમ કહી શકાય.

અહીં સત્યનાં વિવિધ સ્વરૂપોની સંભાવના જણાવાઈ છે, અર્થાત્ સત્યને ભિન્ન ભિન્ન રીતે સમજી શકાય છે. ઈશ્વર સત્ય છે તો તેની સૃષ્ટિ પણ સત્ય હોય. જેમ શ્વેતમાંથી કાળાશનો ઉદ્ભવ શક્ય નથી, જેમ પૂર્ણમાંથી અપૂર્ણનો ઉદ્ભવ શક્ય નથી, તેમ જો ઈશ્વર સત્ય હોય તો, તેની સૃષ્ટિ પણ સત્ય સ્વરૂપ રહેવાની. સાંખ્ય દર્શનમાં પ્રકૃતિ અને પુરુષ બંનેને અનાદિ અર્થાત્ શાશ્વત સત્ય સ્વરૂપ દર્શાવાયા છે. 

કોઈને હર-મહાદેવ અંતિમ સત્ય જણાય તો કોઈને શ્રીવિષ્ણુ. કોઈ ધર્મને સત્ય માને તો કોઈ પવિત્રતાને. કોઈ સત્યને સ્વયં આધારિત ગણે તો કોઈ સત્ય ઈશ્વર આધારિત છે તેમ જણાવી શકે. સંભાવના ઘણી છે, જે તે પરિપ્રેક્ષ્યમાં તે બધી યોગ્ય પણ છે. વ્યક્તિ જેમ રુચિ પ્રમાણે પોતાનાં માર્ગની પસંદગી કરી શકે તેમ પોતાની સમજ પ્રમાણે સત્યને નિર્ધારિત પણ કરી શકે. 

દ્રષ્ટિકોણ મુજબ પરિસ્થિતિ પ્રતીત થાય. દ્રષ્ટિકોણનો વ્યવહાર રંગીન ચશ્માં જેવો હોય, લાલ ચશ્માંમાંથી લાલ દેખાય અને પીળા ચશ્માંમાંથી પીળું. સનાતની સંસ્કૃતિમાં, સનાતની વિચારધારા માં આની પણ છૂટ છે, જ્યાં સુધી ‘વિદ્વતા’નું ચલણ હોય ત્યાં સુધી આ દરેક પ્રકારની સંભાવનાને માન્યતા રાખવી પડે. તેથી જ કહેવાયું છે કે સત્યને જુદી જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન થતો હોય છે.

એક દાર્શનિક અર્થ પ્રમાણે પરમ તત્ત્વ, દિવ્ય સત્તા, અંતિમ સત્ય એક જ છે પરંતુ તે દ્રષ્ટિ, સંસ્કાર, અનુભવ, પરંપરા, શ્રદ્ધા તેમજ રુચિ અનુસાર ભિન્ન ભિન્ન જણાય છે. અદ્વૈત વિચારધારા પ્રમાણે એકમાત્ર બ્રહ્મ સત્ય છે જે નિર્ગુણ, નિર્વિકાર, શાશ્વત, અખંડ, નિર્મળ, નિત્ય, અજન્મા તથા અંતિમ છે; બાકીનું બધું અવિદ્યા સ્વરૂપ માયાનો પ્રપંચ છે. 

વિશિષ્ટાદ્વૈતના સિદ્ધાંત પ્રમાણે એક જ પરમ સત્ય-શક્તિ ભિન્ન ભિન્ન હેતુસર ભિન્ન ભિન્ન સ્વરૂપે પ્રગટ થાય છે. દ્વૈત મત અનુસાર પણ સત્ય સ્વરૂપ પરમેશ્વર એક જ છે જે ભિન્ન ભિન્ન દેવ સ્વરૂપે કાર્યરત રહે છે. તાત્પર્ય એ છે કે પરમ તત્ત્વ એક જ છે, પરંતુ વિવિધ દૃષ્ટિકોણને કારણે તે વિવિધ સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરાય છે અને તે મુજબ, વિદ્વાનો દ્વારા, તેની ચોક્કસ પ્રકારની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયત્ન થાય છે.

જો સત્ય સાંદર્ભિક હોય તો તે એક ન હોય. સંદર્ભ બદલાતાં જો સત્યનું સ્વરૂપ કે તેનાં પ્રભાવમાં બદલાવ આવતો હોય તો સત્ય એક છે એમ ન કહેવાય. અહીં એક સત્યની વાત કરવામાં આવી છે, અર્થાત્ સત્ય સમય તથા સંદર્ભથી મુક્ત ઘટના છે. છતાં પણ જો ગીતામાં સત્ય અને અસત્યને એક સાથે મૂકવામાં આવ્યાં હોય તો થોડીક ઊંડી વિચાર-પ્રક્રિયાની આવશ્યકતા છે. ન તો ઋગ્વેદ માટે કોઈ પ્રશ્ન હોઈ શકે તેના ગીતા માટે કોઈ શંકા હોઈ શકે. સનાતની શાસ્ત્રોમાં જણાવાયેલ પ્રત્યેક બાબત સંપૂર્ણતામાં સંપૂર્ણ હોય તે સ્વાભાવિક છે. કદાચ અહીં ‘સમજવામાં આવેલ સત્ય’ના આગળનાં સત્યની વાત છે. 

શ્રી કૃષ્ણ જ્યારે કહે કે સત્ય પણ હું છું અને અસત્ય પણ હું છું તે એક ‘સ્તર’નું સત્ય. ઈશ્વર અથવા બ્રહ્મ અથવા તે પરમ તત્વ સત્ય પણ છે અને અસત્ય પણ છે; તે વાત પણ સત્ય છે. આ આગળનું, ઉચ્ચકક્ષાનું, પરમ-સત્ય કહેવાય. આ પરમ-સત્ય એમ સ્વીકારે છે કે ઈશ્વરને ન તો સત્યના માળખા માં કે ન તો અસત્યના માળખામાં સીમિત કરી શકાય. એ પરમ-સત્ય કોઈપણ ધારણા, કોઈપણ શબ્દો, કોઈપણ રજૂઆતમાં યથાર્થ સ્વરૂપે સ્થાપિત કરવાનો પ્રયત્ન ન થઈ શકે. તેનાથી એક નીચાં સ્તરનું સત્ય વિવિધ સ્વરૂપે વર્ણવી શકાય. આ જરૂરી પણ છે. સનાતની વિચારધારાની આ જ મહાનતા છે, આ જ વિશેષતા છે, આ જ અદ્ભુત-તા છે. અહીં શબ્દોથી આગળ વધવાની આવશ્યકતા રહે છે.