Fri Sep 04 2026

Logo

ઉલ્હાસનગરમાં ભરરસ્તે આડેધડ ગોળીબાર કરી બે ભાઈને મોતને ઘાટ ઉતાર્યા: કાકા જખમી

2026-05-22 19:28:41
Author: Yogesh C. Patel
ઉલ્હાસનગરમાં ભરરસ્તે આડેધડ ગોળીબાર કરી બે ભાઈને મોતને ઘાટ ઉતાર્યા: કાકા જખમી

15થી વધુ રાઉન્ડ ફાયર થતાં રાહદારીઓમાં નાસભાગ: જૂની અદાવતને પગલે હુમલો થયાની શક્યતા

મુંબઈ: ઉલ્હાસનગરમાં કાર અને બાઈક પર આવેલા હુમલાખોરોએ ભરરસ્તે આડેધડ ગોળીબાર કરતાં રાહદારીઓમાં નાસભાગ મચી હતી. પિસ્તોલમાંથી 15થી વધુ રાઉન્ડ ફાયર કરવામાં આવતાં બે ભાઈનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે તેમના કાકા ગંભીર રીતે ઘવાયા હતા. જૂની અદાવતને પગલે આ હુમલો થયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. ગોળીબારને પગલે સ્થાનિક પરિસરમાં ભયના માહોલ સાથે તંગદિલીભર્યું વાતાવરણ હોવાથી પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ઉલ્હાસનગર કૅમ્પ નંબર-પાંચ પરિસરમાં કૈલાશ કોલોની ચોક ખાતે ગુરુવારની રાતે 8.30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં અનિલ હરકેશ ચૌહાણ (22) અને તેના નાના ભાઈ અમન ચૌહાણ (17)નાં મૃત્યુ થયાં હતાં. ગોળી વાગવાને કારણે ગંભીર રીતે ઘવાયેલા મૃતકોના કાકા અર્જુન સૂરજબલી ચૌહાણને નજીકની મધ્યવર્તી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તેની હાલત નાજુક હોવાથી વધુ સારવાર માટે તેને થાણેની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ જૂની અદાવતને પગલે આ હુમલો થયો હોવાનું જણાઈ રહ્યું છે. કાર અને બાઈક પર સાતથી આઠ જણ રાહદારીઓથી ઊભરાતા કૈલાશ કોલોની ચોક ખાતે આવ્યા હતા. વાહનો ઊભા કરી હુમલાખોરોએ ચૌહાણ ભાઈઓ પર આડેધડ ગોળીબાર કરવા માંડ્યો હતો. ગોળીબારના અવાજથી ડરી ગયેલા રાહદારીઓમાં નાસભાગ મચી હતી તો દુકાનો ધડાધડ બંધ થવા માંડી હતી.

પ્રાથમિક તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે 15થી વધુ ગોળી ફાયર કરવામાં આવી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ચૌહાણ ભાઈઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અર્જુન ચૌહાણને પણ ગોળી વાગી હોવાથી હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

કહેવાય છે કે અંબરનાથ ગાંવના કુખ્યાત ગુંડા સાથે ચૌહાણ ભાઈઓનો વિવાદ થયો હતો. ટેમ્પો ધરાવતા અનિલ ચૌહાણ પાસે હપ્તો માગવામાં આવ્યો હતો, જે આપવાનો તેણે ઇનકાર કર્યો હતો. પરિણામે આ મામલે તેને ધમકી પણ મળી હતી. કહેવાય છે કે તે સમયે અનિલે પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કડક કાર્યવાહી થઈ નહોતી.

દરમિયાન ગોળીબારની માહિતી મળતાં હિલ લાઈન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. પોલીસે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.