નવી દિલ્હી: અસલી શિવસેના અને ચૂંટણી પ્રતીક સંબંધિત વિવાદમાં ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)એ સુપ્રીમ કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ દલીલો કરી હતી. શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથે આજે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષ કયો જૂથ બનાવે છે તે અંગે ચૂંટણી પંચનો નિર્ણય તેમના છાવણી છોડી ગયેલા વિધાનસભ્યો સામે ગેરલાયકાતની કાર્યવાહી પર નિર્ણય પછી લેવો જોઈએ.
આ અંગેની રજૂઆતો ઠાકરે જૂથનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચી અને વી મોહનાની ખંડપીઠ સમક્ષ કરી હતી.
એકનાથ શિંદેની આગેવાની હેઠળની છાવણીને અસલી શિવસેના તરીકે માન્યતા આપવા અને તેને પક્ષનું નામ અને ધનુષ - બાણ પ્રતીક ફાળવવાના ચૂંટણી પંચના નિર્ણય સામે ઠાકરે જૂથની અરજીઓ પર છઠ્ઠા દિવસે ખંડપીઠ અંતિમ દલીલો સાંભળી રહી હતી.
સિબ્બલે દલીલ કરી હતી કે ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે રાજકીય પક્ષ સાથે વિધાનસભા બહુમતીની ભેળસેળ કરી કાયદાનું મૂળભૂત રીતે ખોટું અર્થઘટન કર્યું છે. તેમણે ચૂંટણી પંચના હસ્તક્ષેપના સમય અંગે એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવી દલીલ કરી કે બળવાખોર વિધાન સભ્યો સામે ગેરલાયકાતની કાર્યવાહી પૂર્ણ થયા પછી જ ચૂંટણી પેનલે નક્કી કરવું જોઈએ કે કયો જૂથ અસલી પક્ષ છે. જો એ વિધાનસભ્યો ગેરલાયક ઠરે તો વિધાનસભામાં તેમને ગણતરીમાં ન લેવા જોઈએ.'
વરિષ્ઠ વકીલે એવી પણ દલીલ કરી હતી કે 'રાજકીય પક્ષની રચના નક્કી કરવાની પ્રક્રિયા ગેરલાયકાત અરજીઓના નિર્ણય પર આધારિત હોવી જોઈએ. અન્યથા જ્યારે પણ કોઈ જૂથ ગેરલાયકાતથી બચવા માટે ચૂંટણી પંચનો સંપર્ક કરશે ત્યારે આ સમસ્યા ઊભી થશે.
ગેરલાયકાતની નોટિસમાં અટવાયેલા બળવાખોર વિધાન સભ્યોની સંખ્યા ૧૬થી વધીને ૨૨ થઈ ગઈ અને અંતે વિવિધ ઉલ્લંઘન સાથે ૩૯ થઈ ગઈ, જેમાં સ્પીકરની ચૂંટણી અને ત્યારબાદ વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન પક્ષના વ્હીપનો ભંગ કરવાનો સમાવેશ પણ થાય છે.
સિબ્બલે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ના દિવસે લેવાયેલા સ્પીકરના નિર્ણયનો વિરોધ કર્યો હતો. એમાં ગેરલાયકાતની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી અને વિધાનસભામાં બહુમતી હોવાના આધારે શિંદે જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપવામાં આવી હતી.