મુંબઈની રેલીમાં ઉદ્ધવ ઠાકરેના કેન્દ્ર સરકાર અને RSS પર આકરા પ્રહારો; વાંગચૂકના આંદોલનને આપ્યું સમર્થન
મુંબઈ: મુંબઈમાં યોજાયેલી રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ લદ્દાખના સોનમ વાંગચૂકને દેશદ્રોહી ગણાવવા બદલ કેન્દ્ર સરકાર અને RSS પ્રમુખ મોહન ભાગવત પર આકરા પ્રહારો કર્યા હતા. શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ શાસિત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે હવે એવી સરકાર બદલવા માટે લડાઈ શરૂ થવી જોઈએ જે જવાબદાર નથી. મુંબઈમાં એક રેલીને સંબોધિત કરતી વખતે તેમણે સરકાર પર યુવાનોનું ભવિષ્ય ચોરી લેવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે આ સંદર્ભમાં નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને તેની સાથે જોડાયેલી વિદ્યાર્થીઓની આત્મહત્યાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેને કારણે સોનમ વાંગચૂક ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. તેમણે કહ્યું કે, જે સરકાર જવાબદાર નથી તેને બદલવા માટે હવે લડાઈ શરૂ થવી જોઈએ. અને આ લડાઈ માત્ર સોનમ વાંગચૂક પૂરતી મર્યાદિત નથી.
આ સરકાર રોજગાર કે શિક્ષણ આપતી નથી, તેથી તેને બદલવી જ પડશે. તમે માત્ર કાર્યકરો ન રહેતા નેતા બનો. જ્યાં સુધી આ સરમુખત્યારશાહી સરકારનો અંત ન આવે ત્યાં સુધી તમારા દિલની આ આગ સળગતી રાખવી જોઈએ, કારણ કે આ લોકોએ તમારું ભવિષ્ય ચોરી લીધું છે, એવા આકરા શબ્દોમાં ઉદ્ધવ ઠાકરેએ શાસક પક્ષ પર પ્રહારો કર્યા હતા.
સોનમ વાંગચૂકના આંદોલનને સમર્થન આપવા માટે ઠાકરેની શિવસેના દ્વારા મુંબઈમાં એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે સમયે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેની સાથે જ ઠાકરેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકાની પણ ટીકા કરી હતી. સોનમ વાંગચુકના કાર્યો ગણાવતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સોનમ વાંગચૂક આ દેશને શું આપ્યું છે અને આ સરકારે દેશને શું આપ્યું છે, તેનો હિસાબ એકવાર થઈ જવા દો.
બરફમાં દેશની રક્ષા કરતા આપણા સૈનિકો માટે વાંગચુક દ્વારા 'સોલર કેમ્પ' બનાવી આપવામાં આવ્યા. લદ્દાખમાં જ્યારે પાણીની ભારે અછત હતી, ત્યારે તે જગ્યાએ કૃત્રિમ 'આઇસ માઉન્ટેન' જેમણે બનાવ્યા, આજે તે જ સોનમ વાંગચૂકને આ સરકાર દેશદ્રોહી અને ચીનના એજન્ટ ઠેરવી રહી છે.
આગળ બોલતા ઉદ્ધવ ઠાકરેએ આરએસએસ નેતા દત્તાત્રેય હોસબોલે અને મોહન ભાગવતના નિવેદનોનો હવાલો આપતા કહ્યું, 'જે પાકિસ્તાન આપણા સૈનિકોના જીવનું દુશ્મન છે તેની સાથે ચર્ચા કરવા સંઘ તૈયાર છે, પરંતુ દેશ અને લશ્કર માટે અહોરાત કામ કરનારા વાંગચુક સાથે આ સરકાર ચર્ચા કરવા તૈયાર નથી. આજે દેશમાં જે ચાલી રહ્યું છે, શું તે સંઘની કલ્પનાનું 'હિન્દુ રાષ્ટ્ર' છે?' એવો સીધો સવાલ તેમણે મોહન ભાગવતને પૂછ્યો હતો.
અણ્ણા હઝારેના આંદોલનની યાદ અપાવતા ઠાકરેએ કહ્યું કે, 'તે સમયે તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે અણ્ણા સાથે સન્માનપૂર્વક ચર્ચા કરવા માટે પ્રતિનિધિ મોકલ્યા હતા, કોઈએ તેમને દેશદ્રોહી નહોતા કહ્યા. પરંતુ આજની સરકાર દમન ગુજારી રહી છે. તમે ચાદર ઓઢાડીને વાંગચૂકનું આંદોલન છુપાવી નહીં શકો. જો મોદી સરકારમાં હિંમત હોય તો ચૂંટણી જાહેર કરે, અમે લડવા તૈયાર છીએ.