મુંબઈ: મહારાષ્ટ્રમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક સાથે આવ્યા હતા. આ ગઠબંધન બન્યાને બે મહિનાથી પણ ઓછો સમય થયો છે અને તેમની વચ્ચે મતભેદના અહેવાલો સપાટી પર આવવા લાગ્યા છે. બીએમસીમાં નામાંકિત કાઉન્સિલરને લઈને આ બે ભાઈઓ સામસામે છે.
સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતાઓએ કેટલાક વિચિત્ર સંદેશાઓ પોસ્ટ કર્યા છે, જેમ કે, "જ્યારે તમારા હૃદયમાં પ્રેમ નથી તો પ્રેમ શા માટે કરવો?" જોકે, ઉદ્ધવ ઠાકરે છાવણીએ સોશિયલ મીડિયા પોસ્ટને મહત્વ આપ્યું નથી અને કહ્યું છે કે બંને ભાઈઓ એક રહેશે.
આ કથિત વિવાદનું કેન્દ્રબિંદુ કોર્પોરેટરોના નામાંકન છે. 2023ના ફેરફારો પછી 227 ચૂંટાયેલા કોર્પોરેટરો ઉપરાંત, BMC પાસે હવે 10 નામાંકિત કોર્પોરેટર છે. રાજકીય પક્ષો ગૃહમાં તેમની સંખ્યા અનુસાર આ કોર્પોરેટરને નોમિનેટ કરશે.
તાજેતરની મ્યુનિસિપલ ચૂંટણીમાં 65 બેઠકો જીતનાર ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) 10 કાઉન્સિલરમાંથી ત્રણને નોમિનેટ કરી શકે છે, જ્યારે 89 બેઠક જીતનાર ભાજપ ચારને નોમિનેટ કરી શકે છે. કોંગ્રેસ, એકનાથ શિંદેની શિવસેના અને AIMIM બાકીના ત્રણ કાઉન્સિલરની પસંદગી કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર યુબીટી સાથે ગઠબંધનમાં ચૂંટણી લડનાર રાજ ઠાકરેની મનસેએ ત્રણ નામાંકિત બેઠકમાંથી એકની માંગણી કરી છે. નોંધનીય છે કે બીએમસી ચૂંટણીમાં મનસેને ફક્ત છ બેઠકો મળી હતી. સૂત્રો કહે છે કે ઉદ્ધવ ઠાકરેએ મનસેની માંગણીને નકારી કાઢી છે, જેના કારણે ગઠબંધનમાં તણાવ પેદા થયો છે.
દરમિયાન રાજ ઠાકરેની ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે સાથેની તાજેતરની મુલાકાતે આ અફવાઓને વધુ વેગ આપ્યો છે. મનસે નેતા અવિનાશ અભ્યંકરે જણાવ્યું હતું કે પાર્ટીએ તાજેતરમાં સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તેના રાજ્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
નામાંકિત કોર્પોરેટરોના મુદ્દા પર તેમણે કહ્યું, "આ બે ભાઈઓ અને બે પક્ષો વચ્ચેનું ગઠબંધન છે. રાજ ઠાકરે નક્કી કરશે કે ઉદ્ધવ ઠાકરેના પક્ષના ક્વોટામાંથી બેઠક લેવી કે નહીં. હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ ઠાકરે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આ અંગે નિર્ણય લેશે."