Wed Sep 02 2026

Logo

વડોદરાનો પરિવાર બર્થ-ડે મનાવવા આણંદના રીસોર્ટમાં ગયો પણ બે ભાઈનાં ડૂબી જતાં મોત, પરિવારે કર્યો શું આક્ષેપ ?

2026-08-17 09:01:00
Author: Mumbai Samachar Team
વડોદરાનો પરિવાર બર્થ-ડે મનાવવા આણંદના રીસોર્ટમાં ગયો પણ બે ભાઈનાં ડૂબી જતાં મોત, પરિવારે કર્યો શું આક્ષેપ ?

આણંદના આંકલાવના ઉમેટા નજીક આવેલા કામધેનુ રિસોર્ટમાં એક અત્યંત હચમચાવી નાંખતી કરુણ ઘટના સામે આવી છે.રિસોર્ટમાં શનિ-રવિની રજા માણવા આવેલા વડોદરાના તાદલજાના સિદ્દીકી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો છે. પરિવારના બે માસૂમ જોડિયા બાળકો હમજા સિદ્દીકી અને નોમાન સિદ્દીકીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે.  પરિવાર શનિવારે રિસોર્ટ આવી પહોંચ્યો હતો. અહીં રૂમ નંબર 112માં 6 સભ્યનો પરિવાર રોકાયો હતો. સવારે 10 કલાકની આસપાસ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. આગામી 27 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવનાર આ બંને ભાઈઓના અચાનક મોતથી સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ છે.

જોડિયા ભાઇઓ ડૂબ્યા

પ્રાપ્ત માહિતી મુજબ, સિદ્દીકી પરિવાર શનિ રવિની રજાઓ માણવા કામધેનુ રિસોર્ટ ખાતે આવ્યો હતો. દરમિયાન બંને જોડિયા ભાઈઓ સ્વિમિંગ પૂલમાં નાહવા ગયા હતા. દરમ્યાન નહાવા પડેલા બંને બાળકો એડલ્ટ સ્વિમિંગ પૂલ તરફ્ પહોંચી ગયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા. બાળકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ બંનેના જીવ બચાવી શકાયા નહોતા.ઘટનાની જાણ થતાં આંકલાવ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આંકલાવ સરકારી હોસ્પિટલ ખાતે બંને બાળકોને લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે આંકલાવ પોલીસે તપાસ શરૂ કરી છે.

બંને બાળકોના મોત પાછળ કોઈ બેદરકારી હતી કે નહીં, રિસોર્ટમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં અને સ્વિમિંગ પૂલ ખાતે જરૂરી દેખરેખ તથા સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ હતી કે નહીં તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  

બાળકોએ રિસોર્ટમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી

પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળકોએ રિસોર્ટમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પિતાને પણ સાથે આવવા માટે મનાવ્યા હતા. પરંતુ પરિવાર માટે રજાનો દિવસ જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી ગોઝારી યાદ બની ગયો છે. ઘટનાને વધુ કરુણ બનાવતી બાબત એ છે કે બંને જોડિયા ભાઈઓનો જન્મદિવસ આગામી 27 ઓગસ્ટે આવવાનો હતો. 

રિસોર્ટ સંચાલકો સામે ગંભીર બેદરકારીના આક્ષેપો

પરિવાર બાળકોનો જન્મદિવસ ઉજવવાની તૈયારીમાં હતો, પરંતુ જન્મદિવસના માત્ર 11 દિવસ પહેલાં જ બંને ભાઈઓના એકસાથે મોતથી પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. આ ઉપરાંત બંને બાળકોના મોત બાદ પરિવારજનો દ્વારા રિસોર્ટ મેનેજમેન્ટ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્વિમિંગ પૂલની સુરક્ષા વ્યવસ્થા, બાળકો અને એડલ્ટ પૂલ વચ્ચેની વ્યવસ્થા, દેખરેખ માટે પૂરતા કર્મચારીઓની હાજરી તેમજ જરૂરી સેફ્ટી સાધનો સહિતના મુદ્દે હવે તપાસ કરવામાં આવી રહી છે.