Sun May 17 2026

Logo

ત્રિવેન્દ્રમ-નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના બે કોચમાં ભીષણ આગ, 68 મુસાફરોનો આબાત બચાવ

2026-05-17 09:58:00
Author: Vimal Prajapati
Article Image

ભોપાલઃ મધ્ય પ્રદેશના રતલામથી આશરે 110 કિલોમીટર દૂર લૂણી-વિક્રમગઢ સ્ટેશનો વચ્ચે એક મોટી રેલવે દુર્ઘટના સામે આવી છે. દિલ્હી તરફ જઈ રહેલી ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ (12431) ના બે કોચમાં રવિવારે વહેલી સવારે આશરે 5:30 વાગ્યે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ટ્રેનના B-1 (થર્ડ એસી) અને એસએલઆર (SLR) કોચને આગે લપેટમાં લેતાં મુસાફરોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

ગાર્ડ અને આરપીએફ (RPF) ની સતર્કતાથી ટળ્યો મોટો અકસ્માત

મળતી માહિતી મુજબ, ટ્રેનના B-1 કોચમાંથી અચાનક ધુમાડો નીકળતો દેખાયો હતો અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસમાનમાં દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. ટ્રેનના ગાર્ડે વિલંબ કર્યા વિના તરત જ લોકો પાયલટ (એન્જિન ડ્રાઇવર) ને આ અંગે જાણ કરી, જેના કારણે ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી. જે કોચમાં આગ લાગી હતી તેમાં 68 મુસાફરો સવાર હતા. ટ્રેન ઉભી રહેતાની સાથે જ આરપીએફ સ્ટાફ અને રેલવે કર્મચારીઓએ માત્ર 15 મિનિટની અંદર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા (ડી-બોર્ડિંગ કર્યું હતું).

 

રેલવે પ્રશાસન અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

કોટા રેલ મંડળના સિનિયર ડીસીએમ સૌરભ જૈન દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. અકસ્માતની જાણ થતાં જ કોટાથી 'એક્સિડન્ટ રિલીફ ટ્રેન' (ARME) રવાના કરવામાં આવી હતી. ડીઆરએમ અનિલ કાલરા સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ રેલવેએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. પ્રભાવિત મુસાફરો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને અન્ય કોચમાં એડજસ્ટ કરીને કોટા લાવવામાં આવી રહ્યા છે, જ્યાંથી ટ્રેનમાં એક વધારાનો કોચ જોડવામાં આવશે.