Thu Aug 20 2026

Logo

સંત વાણીઃ મનને સમજાવતી ત્રિકમસાહેબની વાણી

2026-08-10 09:20:00
Author: Maheshkumar Makwana
Article Image

મહેશકુમાર મકવાણા  

મન, તું સમજી લે, તારો સગો નથી સંસાર;
ભજનમાં ભીના-ભીના રે’જો, ઊતરશો ભવપાર...મન તું...
કાયા બેડી કાગદકી, માંઈ સદ્ગુરુ ખેલનહાર;
તેના તારૂડા સંત છે, ઉતારશે ભવજલ પાર...મન તું... 
રાણો, રાજા ને છત્રપતિ, ઈ છે ઘુમરીયો ઠાર;
વાદળ-છાયાં વહી જશે, તેને કેટલી લાગશે વાર? મન તું...
કુટુંબ-કબીલાની કૂડી છે માયા, ઈ છે ભ્રમ કેરો ભાર;
તેમાં મનવા, શું મોહી રહ્યો? ખાઈશ જમનો માર! મન તું...
આતમ-સાધન સાધતાં, મારા અંતરે પ્રગટ્યો પ્યાર;
ભવસાગરમાં બૂડતાં, એક સદ્ગુરુ તારણહાર...મન તું...
વેદ-કિતાબનું કામ નહીં, મારે રોમે-રોમ રણકાર;
અનહદ વાજાં વાગિયાં, માંહી મોરલી કરે મલાર...મન તું...
હું નહીં, તું નહીં, તે નહીં, તુહીં-તુહીં કિરતાર;
ગોતતાં-ગોતતાં ગમ પડી, અસતો રહ્યો ન એક તાર.મન તું...
ખીમ, ભાણ, રવિ, રમતા રામ, જીવણ પ્રાણ-આધાર;
કહે ત્રિકમ સત ખીમ કે ચરણે ડગલે-ડગલે બલિહાર...મન તું...

ત્રિકમસાહેબની આ વાણીનું પહેલું જ આકર્ષણ એનો આત્મીય સંવાદ છે. જાણે તેઓ પોતાના મન સાથે જ વાત કરી રહ્યા હોય. ઘણા સંતો મનને ઠપકો આપે છે, ઘણા મનને વશ કરવાની વાત કરે છે, પણ ત્રિકમસાહેબ મનને સમજાવે છે. મન, તું સમજી લે...થી શરૂ થતી આ વાણીમાં ઉપદેશ કરતાં આત્મીયતા વધારે છે. અહીં વાણી રચયિતા મનનો વિરોધી નથી; મનનો હિતેચ્છુ છે. એ જાણે છે કે મનને જબરદસ્તીથી નહીં, સમજણથી જીતી શકાય. એટલે જ આખી વાણીમાં ક્યાંય કઠોરતા નથી, એક સહજ પ્રેમાળ સ્વર સતત સંભળાતો રહે છે.

ત્રિકમસાહેબની દૃષ્ટિએ સંસાર એ જીવનો અંતિમ આશ્રય નથી. માણસ જેને પોતાનું માનીને આખી જિંદગી વળગી રહે છે, એ જ સંસાર જરૂર પડ્યે સાથ છોડીને ચાલ્યો જાય છે. એટલે જ તેઓ મનને ભજનમાં ભીના-ભીના રહેવાનું કહે છે. આ ભીના-ભીના શબ્દ ખૂબ અર્થસભર છે. ભજન કરવું અને ભજનમાં ભીંજાઈ જવું આ બે જુદી વાતો છે. હોઠ પર નામ હોય અને હૃદય કોરું રહે તો એ ભક્તિ નથી. ભક્તિ ત્યારે જન્મે, જ્યારે મન અહંકાર છોડીને પરમાત્માના પ્રેમમાં ઓગળી જાય.

દેહ વિશે ત્રિકમસાહેબની ઉપમા અત્યંત સહજ છે. આ કાયા તો કાગળની હોડી જેવી છે. કાગળની હોડી ઉપર સમુદ્ર ઓળંગી શકાય નહીં; એવી જ રીતે આ નાશવંત દેહના ભરોસે ભવસાગર પણ તરાય નહીં. માણસ આખી જિંદગી દેહને જ સર્વસ્વ માનીને જીવે છે, જ્યારે દેહ પોતે જ ક્ષણભંગુર છે. તેથી જ તેઓ સદ્ગુરુને ખેવટિયો કહે છે. ભવજળ પાર કરવાની શક્તિ દેહમાં નથી, ધનમાં નથી, પાંડિત્યમાં નથી; એ તો સદ્ગુરુના માર્ગદર્શન અને સંતસંગમાં છે. સંતપરંપરામાં ગુરુનું ગૌરવ એટલા માટે છે કે તે શિષ્યને પોતાનામાં અટકાવતો નથી, પરંતુ પરમસત્ય તરફ દોરી જાય છે.

ત્રિકમસાહેબનું વૈરાગ્ય જીવનથી ભાગવાનું નથી; જીવનનું સાચું સ્વરૂપ ઓળખવાનું છે. રાજા હોય, રાણા હોય કે છત્રપતિ આ બધું વાદળની છાયાની જેમ ક્ષણિક છે. વાદળ આવે છે, થોડો સમય ધરતીને ઢાંકે છે અને પછી વહી જાય છે. સત્તા, સંપત્તિ અને વૈભવનો પણ આવો જ સ્વભાવ છે. ઇતિહાસમાં કેટલાંય સામ્રાજ્યો ઊભાં થયાં અને ભૂંસાઈ ગયાં.

એ જ રીતે કુટુંબ અને કબીલા વિશે પણ તેમનો વિરોધ સંબંધોનો નથી, પરંતુ મોહનો છે. સંબંધો જીવન માટે જરૂરી છે, પણ જ્યારે એ જ સંબંધો મારું અને હુંના અહંકારમાં ફેરવાઈ જાય ત્યારે માયાનો ભાર બની જાય છે. મનુષ્ય આખી જિંદગી એ ભાર ઊંચકવામાં જ પસાર કરી દે છે અને અંતે ખાલી હાથે જવું પડે છે. ત્રિકમસાહેબ મનને પૂછે છે કે જે વસ્તુ કાયમી નથી તેમાં આટલો મોહ શા માટે?

વાણી આગળ વધે છે અને અનુભવની ભૂમિકા શરૂ થાય છે. આત્મસાધના કરતાં કરતાં એમના અંતરમાં પ્રેમ પ્રગટ્યો છે. આ વાત ખૂબ ધ્યાન ખેંચે છે. આધ્યાત્મિક સાધનાનું અંતિમ ફળ માત્ર જ્ઞાન નથી; પ્રેમ છે. જ્ઞાન માણસને પ્રકાશ આપે છે, પરંતુ પ્રેમ એને પૂર્ણ બનાવે છે. જે આત્મસાધનાથી પ્રેમ ન જન્મે તે સાધના હજુ અધૂરી છે. ભવસાગરમાં ડૂબતા જીવને સાચો આધાર પણ આ જ સદ્ગુરુ આપે છે.

ત્રિકમસાહેબ શાસ્ત્રજ્ઞાન કરતાં અનુભવને વધારે મહત્ત્વ આપે છે. તેઓ વેદો કે કિતાબોનો અસ્વીકાર કરતા નથી, પરંતુ એટલું કહે છે કે જ્યાં રોમે-રોમ અનહદનો રણકાર સંભળાવા માંડે, જ્યાં અંતરમાં મોરલીનો મલાર ગુંજવા લાગે, ત્યાં શબ્દોનું કાર્ય પૂર્ણ થઈ જાય છે. સંતવાણીનો આ અત્યંત અગત્યનો સિદ્ધાંત છે.

વાણીનું સાચું શિખર તો ‘હું નહીં, તું નહીં, તે નહીં, તુહીં-તુહીં કિરતાર’માં પ્રગટે છે. અહીં પહોંચીને જીવ અને શિવ વચ્ચેનો બધો ભેદ ઓગળી જાય છે. પછી જ્યાં નજર પડે ત્યાં એક જ પરમસત્તાનો અનુભવ થાય છે. જ્યાં સુધી હું છે ત્યાં સુધી દ્વૈત છે. જ્યાં તું પણ ઓગળી જાય અને માત્ર તુહીં-તુહીં રહે, ત્યાં જ અદ્વૈતનો અનુભવ થાય છે. આ અનુભવ બુદ્ધિથી મળતો નથી; ગોતતાં-ગોતતાં, શોધતાં-શોધતાં એક ક્ષણે સહજ રીતે પ્રગટે છે. ત્યારે અસત્યનો એક પણ તાર બાકી રહેતો નથી.

વાણીના અંતે ત્રિકમસાહેબ પોતાના ગુરુ ખીમસાહેબ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. અહીં કોઈ વ્યક્તિપૂજાની વાત નથી. સંતપરંપરામાં ગુરુનું ગૌરવ એટલા માટે છે કે ગુરુ શિષ્યને પોતાના સુધી બાંધી રાખતો નથી; પરમ સુધી પહોંચાડે છે. તેથી જ ત્રિકમસાહેબ ડગલે-ડગલે બલિહાર જવાની વાત કરે છે.

ત્રિકમસાહેબની આ વાણીમાં ક્યાંય શબ્દાડંબર નથી, ક્યાંય ગૂઢ તત્ત્વચર્ચાનો ભાર નથી. કાગળની હોડી, વાદળની છાયા, ભીનું ભજન, અનહદનો રણકાર આવાં સહજ પ્રતીકો દ્વારા તેઓ જીવનનું ગહન સત્ય સમજાવે છે. જ્ઞાન અને ભક્તિ, વૈરાગ્ય અને પ્રેમ, ગુરુ અને પરમાત્મા આ બધું એમની વાણીમાં પરસ્પર વિરોધી નથી, પરંતુ એક જ આધ્યાત્મિક યાત્રાનાં જુદાં-જુદાં સોપાનો છે. ત્રિકમસાહેબની આ વાણી જીવને પોતાની અંદર ઊતરવાનું આમંત્રણ આપે છે.