Tue Jul 07 2026

Logo

થાણે અને પાલઘરમાં મુશળધાર વરસાદ:  બિલબોર્ડ ઊડી જવાની સાથે સંખ્યાબંધ દીવાલ અને વૃક્ષો ધરાશાયી

2026-07-06 22:44:58
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબઈના પડોશી જિલ્લા થાણે અને પાલઘરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થવાની સાથે ઘરની દીવાલો તૂટી જવાની, પાણી ભરાવા જેવી અનેક ઘટના બની હતી, જેમાં પાલઘર અને રાયગડ માટે મંગળવાર, સાત જુલાઈના પણ રેડ અલર્ટની ચેતવણી હોઈ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.સોમવારે સવારે એક મોટા ઉખડી ગયેલા ઝાડને સાફ કરતી વખતે એક ફાયરમેનને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી અને અલગ અલગ ઘટનાઓમાં થાણે શહેરમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે એક મોટું બિલબોર્ડ અને બે દીવાલો ધરાશાયી થઈ હતી. ભારે વરસાદને કારણે થાણે શહેરમાં ૧૧૦ વૃક્ષો ધરાશાયી થયાં હતાં અને ૩૮ ડાળીઓ તૂટી પડી ગઈ, પાણી ભરાઈ જવાના ચાર બનાવો, બે કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થયા અને એક સ્લેબ પડી ગયો હતો.

મુંબઈના પડોશી પાલઘર જિલ્લામાં જોરદાર પવનને કારણે ટીન-છતવાળા શેડ ઊડી ગયા અને એક રહેણાંક શાળામાં વૃક્ષો ઉખડી ગયાં હતાં. અધિકારીએ જણાવ્યું હતું કે સંસ્થામાં રહેલા તમામ ૩૫૦ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. થાણે અને પાલઘર બંને જિલ્લામાં વરસાદી પાણી ઘણા નીચાણવાળાં ઘરોમાં ઘૂસી ગયા હોવાથી બચાવ ટીમો અને પાલિકા પ્રશાસન હાઇ અલર્ટ પર હતી.  થાણે શહેરના શ્રીરંગ સોસાયટી વિસ્તારમાં સવારે ભારે વરસાદ અને પવનને કારણે એક વિશાળ વૃક્ષ ઊખડી પડયું હતું અને તેની સફાઈ કામગીરી દરમ્યાન ૩૨ વર્ષના  અંકિત યાદવ નામના ફાયરમેન ગંભીર ઈજા થઈ હતી.

ઊખડી ગયેલી ડાળીઓ કાપતી વખતે અંકિતનો  પગ આકસ્મિક રીતે મિકેનિકલ કટર મશીનથી અથડાઈ ગયો હતો, જેના કારણે ગંભીર ઊંડી ઈજાઓ થઈ હતી. અન્ય એક ઘટનામાં ભારે પવનને કારણે પોખરણ રોડ નંબર બેે પર એક વિશાળ જાહેરાતનું હોર્ડિંગ તૂટી પડ્યું. ભારે માળખું રસ્તાની બાજુમાં તૂટી પડતા પાલિકાએ વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. આ ઘટનામાં સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું. બીજી એક ઘટનામાં, ગોકુલ નગરમાં સવારે ગોલ્ડન પાર્ક સોસાયટીની એક વિશાળ કમ્પાઉન્ડ દીવાલ બાજુની ચાલ (રો ટેનામેન્ટ) પર તૂટી પડી હતી, જેમાં કોઈને ઈજા પહોંચી નહોતી. 

પડોશી પાલઘર જિલ્લામાં ઝડપી પવનને કારણે વાડા તાલુકાના મૌજે ગુંજ બુધાવલીમાં સ્થિત આશ્રમ શાળાના મુખ્ય અને શૌચાલય બ્લોકના ટીન-છતવાળા શેડ ઊડી ગયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમના જણાવ્યા મુજબ તીવ્ર પવનને કારણે શાળા કેમ્પસમાં વૃક્ષો પણ ઊખડી ગયાં હતાં. જોકે  તમામ ૩૫૦ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે, અને કોઈને ઈજા થઈ નથી. પોલીસ કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું કે, ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવ્યા હતા અને સફાળે પોલીસ સ્ટેશન પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા હતા.સોમવારે સવારે ૮.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં, થાણે શહેરમાં ૨૦૮.૫૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આ સાથે જ થાણેમાં મોસમી વરસાદનો કુલ વરસાદ ૧,૧૫૭.૨૪ મિ.મી થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન નોંધાયેલા ૯૮૯.૦૦ મિ.મી. કરતા વધુ છે.