Sat Sep 12 2026

Logo

McDonald's સહિત 8 મોટી રેસ્ટોરન્ટના ફૂડ લાયસન્સ કેન્સલ,મહારાષ્ટ્રમાં FDAનુ મહા-એક્શન

2026-08-22 10:18:00
Author: Mumbai Samachar Team
McDonald's સહિત 8 મોટી રેસ્ટોરન્ટના ફૂડ લાયસન્સ કેન્સલ,મહારાષ્ટ્રમાં FDAનુ મહા-એક્શન

મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષાને લઇને FDAએ મોટી કાર્યવાહી કરી છે. 19 અને 20 ઓગસ્ટે ચલાવવામાં આવેલા એક વિશેષ તપાસ અભિયાનમાં દૂધ-ડેરી ઉત્પાદનો, પ્રતિબંધિત ગુટખા-પાન મસાલા સહિત બીજા ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવી. છત્રપતિ સંભાજીનગરની એક હોટલની રસોઇમાં સડેલું પનીર, કાળુ પડી ગયેલું તેલ,ખુલ્લામા રાખવામાં આવેલા ખાવાનું સહિત અનેક ગરબડ મળી. આ ઉપરાંત મુંબઇમાં McDonald's સહિત 7 જગ્યાએ ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા, જ્યારે ગુટખા-પાન મસાલા કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી.

છત્રપતિ સંભાજીનગરના ક્રાંતિ ચોક વિસ્તારમાં ગાયત્રી મેવાડ પ્રાઇવેટ લિમિટેડ હોટલની પણ તપાસ કરવામાં આવી.. 'સેફ ફૂડ સેફ મહારાષ્ટ્ર' અભિયાન હેઠળ FDAની ટીમ અચાનક ત્યાં પહોંચી હતી. રસોડાની તપાસમાં ખરાબ પનીર, ખુલ્લામાં રાખવામાં આવેલું ખાવાનું સહિત અનેક ખામીઓ મળી. ત્યારબાદ હોટલનું FSSAI લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું.

પનીરમાંથી આવી રહી હતી ખરાબ વાસ

તપાસ ટીમને સબ્જી બનાવવા માટે રાખવામાં આવેલું પનીર ખરાબ ક્વોલિટીનું મળ્યું. પનીર પર તેની વેલિડિટી કે ઉપયોગની તારીખ પણ લખેલી નહોતી. આ ઉપરાંત ખાવાનું યોગ્ય તાપમાને રાખવાની વ્યવસ્થામાં પણ લાપરવાહી મળી. 

ટોયલેટની પાસે કાપવામાં આવતું હતું શાક

હોટલની અંદર સાફ-સફાઇના નામે ભારે લાપરવાહી જોવા મળી. ટોયલેટના મુખ્ય દરવાજાની પાસે ગંદકી અને કરોળિયાના ઝાળા વચ્ચે શાકભાજી કાપવામાં આવી રહી હતી. તો બાફેલા નૂડલ્સને વાસણ ધોવાવાળી જગ્યા પર ખુલ્લા છોડી દેવામાં આવ્યા હતા, જેનાથી ગટરના ગંદા પાણીના છાંટા તેની પર પડવાનું જોખમ હતું. 

મુંબઇની 7 હોટલો પર કાર્યવાહી

આ વિશેષ અભિયાન દરમ્યાન મુંબઇમાં પણ ખાદ્ય સુરક્ષા નિયમોના ઉલ્લંઘન પર કાર્યવાહી થઇ. કોલાબાના મેક્ડોનાલ્ડ્સ (McDonald's), બોમ્બે પ્રેસીડેન્સી રેડિયો ક્લબ, મલાડના નોવારા (Novaara), નરીમન પોઇન્ટના સ્ટેટ્સ રેસ્ટોરન્ટ (Status Restaurant)  અને ખાર જિમખાના સહિત 7 જગ્યાએ ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા.