અમદાવાદ - નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન આશરે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આગમી બે થી ત્રણ દિસમાં ચોમાસું આગળ વધશે. આ દરમિયાન ગુજરાતમાં હાલ ઉનાળો આકરો બની રહ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટથી રાજ્યના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો.
પ્રાદેશિક હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. અમરેલી, ગીર સોમનાથ અને જામનગરમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જીલ્લામાં પણ વરસાદની આગાહી છે. દીવ, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને કમોસમી ઝાપટાં પડી શકે છે. ગઈકાલે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 43.3 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, અમરેલીમાં 42.3 ડિગ્રી તાપમાનના કારણે લોકો પરેસેવે રેબઝેબ થયા હતા.
દેશના ક્યા રાજ્યમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ અનુસાર, ચોમાસું સક્રિય થવાના કારણે કેરલમ, લક્ષદ્વીપ, તમિલનાડુ, આસામ, મેઘાલય, પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવનું એલર્ટ આપ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં તાપમાન 44 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
દિલ્હીમાં 25 મે સુધી લૂ નું એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં 28 મે સુધી લૂ નું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે બિહારમાં 25 મે સુધી ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. જ્યારે 28 મે સુધી ગાજવીજનું અનુમાન છે.
પંજાબમાં 23 થી 28 મે સુધી હળવા વરસાદનું અનુમાન છે. ઉત્તરાખંડમાં 23 મે એ ગાજવીજ અને હળવા વરસાદની સંભાવના છે. ભારે પવન અને કરાનું એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ગાજવીજની સંભાવના છે. રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ છે, જ્યારે કેટલાક વિસ્તારમાં આંધી પણ આવી શકે છે. ઝારખંડમાં 23 થી 28 મે સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.