મધ્ય પ્રદેશથી સૂત્રધાર સહિત ત્રણ પકડાયા
ભુજ: અંજાર તાલુકાના અજાપર ગામની સીમમાં વેપારી પર પિસ્તોલમાંથી ગોળીબાર કરી સોનાની ચેઈન લૂંટી ભાગી છૂટેલી આંતરરાજ્ય ધાડપાડુ ગેંગનો પર્દાફાશ કરી અંજાર પોલીસે મધ્ય પ્રદેશથી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.

બનાવની વિગતો મુજબ, ગત ૨૧ ઓગસ્ટના રોજ અજાપરની સીમમાં બાઈક પર જઈ રહેલા વરસામેડીના ધનજીભાઈ ખાટરિયાને અપાચે બાઈક પર આવેલી ત્રિપુટીએ આંતરી, પિસ્તોલ વડે ફાયરિંગ કરી ૩૦ ગ્રામ સોનાની ચેઈન લૂંટી લીધી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અંજાર પીઆઈ એચ.એ. જાડેજા અને એલસીબી ટીમે સીસીટીવી ફૂટેજ તથા મોડસ ઓપરેન્ડી ક્રાઈમ રેકોર્ડ્સના આધારે તપાસ આદરી હતી.
તપાસ દરમિયાન વર્ષ ૨૦૨૨માં રતનાલ પાસે આ જ મોડસ ઓપરેન્ડીથી લૂંટ આચરનાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અશોક ઊર્ફે આર્યન પ્રજાપતિ તથા દીપક કુશ્વાહની ગેંગ પર શંકા દ્રઢ થઈ હતી. પોલીસે મધ્ય પ્રદેશમાં દરોડો પાડી મુખ્ય સૂત્રધાર આર્યન પ્રજાપતિ અને તેના બે મદદગારો અમિત જાટવ તથા જગદીશ જાટવને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી ₹૮ લાખની અર્ટિગા કાર, રોકડ રકમ અને મોબાઈલ ફોન જપ્ત કરાયા છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ અસામાજિક તત્ત્વોને અપાચે બાઈકનો વિશેષ શોખ છે અને તેમણે આદિપુરમાંથી મોટરસાઇકલની ચોરી કરી લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીઓએ મેઘપર કુંભારડી ખાતે ઓરડી ભાડે રાખી હતી. આ ગેંગ સામે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આર્મ્ડ રોબરીના અનેક ગુના નોંધાયેલા છે. પોલીસે અન્ય ફરાર આરોપીઓ દીપક અને શિવને પકડી પાડવા તેમજ લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને સોનાની ચેઈન રિકવર કરવા આગળની ચક્રો ગતિમાન કર્યા છે.
ઉત્સવ વૈદ્ય