ભુજઃ ભૂજની આસપાસના વિસ્તારોમાં પણ નાગરિકોને બેસ્ટ કહી શકાય એવા રસ્તાઓ મળી રહેવાના છે. કચ્છના વાગડ વિસ્તાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા રાપર-ફતેહગઢ-આડેસર માર્ગના મજબૂતીકરણ અને રિસરફેસિંગની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ₹70 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં જરૂરી પ્રક્રિયા બાદ આ રસ્તા પર નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવશે. જુદા-જુદા માપદંડ અનુસાર રસ્તાનો સર્વે કર્યા બાદ સમગ્ર રસ્તાને નવીનીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે.
50 કિમી લાંબો હાઈવે
રાપરથી ફતેહગઢ થઈ આડેસર સુધીનો આશરે 50 કિલોમીટર લાંબો માર્ગ ખનિજ પરિવહન કરતાં ભારે વાહનોની સતત અવરજવરના કારણે ઉબડખાબડ બની ગયો હતો. મગરમચ્છની પીઠ સમાન રસ્તાને રીપેર કરવા માટે છેલ્લા ઘણા સમયથી માગ ઊઠી રહી હતી. ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે રસ્તો સાવ બિસમાર બની જતાં વાહનચાલકો તથા સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ બાબતે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાજ્ય સરકારમાં સઘન રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે આ જંગી રકમની મંજૂરી મળતાં વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. આ રસ્તો રીપેર થયા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ સીધો લાભ થવાનો છે. ખાસ કરીને દૈનિક ધોરણે આ રસ્તાનો ઉપયોગ કરનારા લોકોને મોટો ફાયદો મળી રહેશે.
નવો તૈયાર થશે રસ્તો
આ બાબતે ધારાસભ્યએ આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. તાજેતરમાં જ ભચાઉ તાલુકાના ગ્રામીણ માર્ગોના સુધારણા માટે પણ સરકારે ₹24 કરોડની ફાળવણી કરી હતી. માત્ર નાના નગર કે મહાનગર જ નહીં જિલ્લા-તાલુકાને જોડતા રસ્તાઓ પણ મજબૂત બને, પાક્કા બને અને તેથી આર્થિક વિકાસ થાય એવા અભિગમ સાથે રસ્તાના કામને પ્રાથમિકતા અપાઈ રહી છે. આ જ પ્રાથમિકતા અંતર્ગત હવે રાપરથી ફતેહગઢ સુધીના રસ્તાનું નવીનીકરણ કરીને ફરી તૈયાર કરવામાં આવશે. આ સિવાય રાજ્ય અન્ય ઝોનમાં પણ રસ્તાના કામ ચાલી રહ્યા છે. વરસાદી સીઝનમાં કામગીરીમાં વિલંબ પડ્યો હતો. તો કેટલીક જગ્યાએ વરસાદના કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. હવે વરસાદ નથી એવા સમયે રસ્તાની કામગીરીને પ્રાયોરિટી આપીને ખતમ કરવામાં આવી રહ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)