આરોપી સિનિયર સિટીઝનની ધરપકડ: આરોપીને ‘વીઆઈપી ટ્રીટમેન્ટ’ના આરોપ સાથે કચ્છી આગેવાનો ભડક્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડમાં બેકાબૂ કારે ચારથી પાંચ વાહનને અડફેટે લીધાની ઘટનામાં કચ્છી મહિલા એડ્વોકેટનો જીવ ગયો હતો, જ્યારે પતિ ગંભીર રીતે ઘવાયો હતો. આ ઘટનામાં અન્ય પાંચ જણને પણ ઇજા થઈ હોઈ આરોપી કાર ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી હતી. જોકે કથિત વગદાર આરોપીને પોલીસ સ્ટેશનમાં ‘વીઆઈપી ટ્રીટમેન્ટ’ આપવામાં આવી હોવાના આરોપ સાથે કચ્છી આગેવાનો ભડક્યા હતા અને મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને ભેગા થયા હતા.
મલાડ પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતની ઘટના રવિવારની રાતે આઠ વાગ્યાની આસપાસ મલાડ પશ્ર્ચિમમાં એસવી રોડ પર મામલેદાર વાડી જંક્શન ખાતે બની હતી. અકસ્માતમાં એન. એલ કૉલેજ સામેના નીલગિરિ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતી એડ્વોકેટ પ્રિયંકા મયંક સત્રા (34)નું મૃત્યુ થયું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે આરોપી કૃષ્ણ શાંતારામ ચામણકર (70) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1), 281, 125(એ) અને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ચામણકરની ધરપકડ કરી તેના લોહીના નમૂના તપાસ માટે લૅબોરેટરીમાં મોકલી દેવાયા હતા.
કારની બ્રેકને બદલે એક્સિલરેટર દબાઈ જવાને કારણે આ ઘટના બની હોવાનો દાવો આરોપીએ પોલીસ પૂછપરછમાં કર્યો હતો.
મળતી માહિતી અનુસાર સત્રા દંપતી સ્કૂટર પર મલાડ સબવેની દિશામાંથી ઘરેે જઈ રહ્યું હતું. મામલેદાર વાડી જંક્શન ખાતેના સિગ્નલ પર મયંક સત્રાએ સ્કૂટર ઊભું રાખ્યું હતું. જોકે બાદમાં સિગ્નલ ગ્રીન થતાં જ તેજ ગતિથી કારે સ્કૂટરને ટક્કર મારી હતી. પછી ત્રણ રિક્ષા અને એક બાઈકને પણ કારે અડફેટે લીધી હતી.
અકસ્માત થતાં જ રાહદારીઓની ભીડ જામી હતી. દરમિયાન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને તાબામાં લીધો હતો. કારનું ટાયર ફરી વળતાં પ્રિયંકાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે મયંકને ગંભીર ઇજા થઈ હતી. તેના પગમાં ફ્રેક્ચર થયું હોવાથી હૉસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અકસ્માતમાં ઘવાયેલા અન્ય પાંચને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. દરમિયાન ઘટનાની જાણ થતાં સગાંસંબંધીઓ અને કચ્છી આગેવાનો રાતે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અંધેરીના વર્સોવા વિસ્તારમાં રહેતો આરોપી વગદાર વ્યક્તિ હોવાથી પોલીસ દ્વારા તેના પ્રત્યે કૂણું વલણ અપનાવવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો.
આરોપીને પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી હતી, ખુરશી પર આરામથી બેસવા દેવાયો હતો, મધરાતે લૉકઅપને બદલે આરોપીને એસી રૂમમાં બેસાડવામાં આવ્યો હોવાના આક્ષેપો પોલીસ સ્ટેશને હાજર લોકોએ કર્યો હતો.