Fri Sep 04 2026

Logo

લોકમેળા પહેલા રાજકોટ પોલીસનો મોટો પ્લાન, 7 રસ્તા બંધ અને 14 જગ્યાએ ફ્રી પાર્કિંગ

2026-09-01 11:37:00
Author: Mumbai Samachar Team
લોકમેળા પહેલા રાજકોટ પોલીસનો મોટો પ્લાન, 7 રસ્તા બંધ અને 14 જગ્યાએ ફ્રી પાર્કિંગ

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળા તરીકે જાણીતો રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્ર-ગુજરાતની ઉત્સવપ્રેમી જનતાને આવકારવા માટે તૈયાર છે. મેળા સંબંધિત તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. તા.2 સપ્ટેમ્બરથી રેસકોર્સ મેદાન પર ઢોલ-નાગારા સાથે ભવ્ય પ્રારંભ થવાનો છે. 5 દિવસીય લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી તેમજ ગુજરાતમાંથી લોકો રાજકોટ મેળાને માણવા માટે આવશે. આ વખતે આશરે 15 લાખ જેટલા મુલાકાતીઓ રાજકોટની મુલાકાત લે એવી અપેક્ષા છે. આ માટે તંત્રએ સુરક્ષા વ્યવસ્થા માટે 1500થી વધારે પોલીસ કર્મચારીઓને ખાસ જવાબદારી સોંપી દીધી છે. 

10 માર્ગ પર નો-એન્ટ્રી
રેસકોર્સ મેદાનને જોડતા 10 મુખ્યમાર્ગ પર નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. વ્યવસ્થાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આસપાસના વિસ્તારના 14 પ્લોટમાં ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બાહરથી આવતા લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને સરળતાથી તેઓ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવી શકે એ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ટ્રેન મારફતે લોકો આવશે તો રિક્ષામાં અથવા ચાલતા રૂડની ઈમારત વાળા રસ્તેથી આવી શકાશે. પોલીસ હેડક્વાર્ટર થઈ ડાયરેક્ટ રેસકોર્સમાં એન્ટ્રી લઈ શકશે. જ્યારે બસ મારફતે આવતા લોકો રિક્ષા અથવા સિટી બસ મારફતે જિલ્લા પંચાયત ચોક સુધી આવી શકશે.અહીંયાથી ચાલતા મેળાના મુખ્ય ગેઈટ સુધી આવવાનું રહેશે. રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર, 2026 સુધી એમ પાંચ દિવસ નક્કી કરેલા માર્ગ પર નો એન્ટ્રીનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કેટલાક વિસ્તારોને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે. 

કલાકારોના પર્ફોમન્સનું આકર્ષણ
રાજકોટાન લોકમેળામાં આ વખતે રાઈડ્સની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ રમઝટ બોલશે. દૈનિક ધોરણે આવા કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. મેળામાં આ વખતે પાંચેય દિવસ  4:00થી રાત્રે 8:00 વાગ્યા સુધી 40 જેટલા સ્થાનિક કલાકારો એકથી એક ચડિયાતી કૃતિ રજૂ કરશે. તા.2 સપ્ટેમ્બરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ દિવસે ગોપાલ ભરવાડનો ભવ્ય લોકડાયરો જામશે.  જ્યારે તા.3 સપ્ટેમ્બરના રોજ સાંજે 7:00 થી 8:00 વાગ્યા દરમિયાન INS કુંજલી મુંબઈ સ્થિત ઐતિહાસિક 'ઇન્ડિયન નેવી બેન્ડ'ના જવાનો દેશભક્તિના ગીતથી મેળાના માહોલને સંગીતમય કરી દેશે. 

આ રસ્તેથી પસાર થઈ શકાશે.
ચાણક્ય બિલ્ડીંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડીંગ, જામનગર રોડ સાંઢિયા પુલથી એરપોર્ટ ફાટક અને ગાંધીગ્રામ તરફ જઈ શકશે. શ્રોફ રોડ, ચાણક્ય બિલ્ડીંગ ચોકથી ફલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક, આમ્રપાલી અંડર બ્રિજથી રૈયા રોડ તરફ અવર જવર કરી શકાશે.  રેસકોર્સ પાર્ક અને મારુતિનગર તરફ જવા માટે ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડીંગ, જામનગર રોડ, સાંઢિયા પુલથી એરપોર્ટ ફાટથી જઈ શક્શે અને આમ્રપાલી અંડર બ્રિજથી રેસકોર્સ મેયર બંગલાથી રેલવે પાટાની જમણી બાજુના રોડથી એરપોર્ટ ફાટક થઇ અવર જવર કરી શકાશે.
પ્રાયવેટ લકઝરી બસો મહિલા અંડર બ્રિજથી ટાગોર રોડ થઇ જઈ શકશે. લોકમેળા દરમિયાન રેસકોર્સ રીંગ તોડ ફરતે પાસધારક વાહન ચાલકો 10 કિમી/ક્લાકથી વધુ ઝડપે વાહન ચલાવી શકશે નહિ. 

વાહન પાર્કિંગ માટેના એરિયા
કિશાનપરા ચોક સાયકલ શેરિંગ જગ્યા ૨. નહેરુ ઉદ્યાન, બહુમાળી ભવન સામે, બાલભવન મેઈન ગેઇટટાઇ આર્ટ ગેલેરી સુધીના રોડ પર, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, નવી કલેક્ટર કચેરી સામેના ગ્રાઉન્ડમાં, નગર રચના કચેરીનું ગ્રાઉન્ડ, ગુજરાત સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકનું ગ્રાઉન્ડ, આયકર વાટિકા પાછળ રિલાયન્સ ગ્રાઉન્ડ, એસબીઆઈ બેંક સામે શારઘબાગનું ગ્રાઉન્ડ , સર્કિટ હાઉસ સામે મેમણ બોર્ડિંગ ગ્રાઉન્ડ, કિશાનપરા ચોક કેપિટલ હોટેલ પાછળનું ગ્રાઉન્ડ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસ સામે આકાશવાણીની દીવાલ, હોમગાર્ડ ઓફિસર કોલોની.