Tue Jul 07 2026

Logo

સ્વાસ્થ્ય સુધા: વરસાદની મોસમમાં ઝટપટ બની જતાં સ્વાસ્થ્યવર્ધક ટીંડા

2026-07-07 10:30:00
Author: Srilekha Yagnik
Article Image

 

શ્રીલેખા યાજ્ઞિક

ચોમાસામાં શાકભાજીને માણવાની એક અલગ મજા છે. તેમાં પણ વેલ ઉપર ઊગતાં શાકભાજી-પાણીદાર શાકભાજીનો સ્વાદ અદ્ભુત હોય છે. જેમ કે દૂધી, પરવળ, કાકાડી, તુરિયા, ભોપલું, ગલકાં તથા ટીંડા. ટીંડા માટે એવું કહેવાય છે કે તે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે ઉમદા છે. કેમ કે તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામિન તેમજ ખનીજની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. ઉનાળામાં તેમજ ચોમાસામાં તેનું શાક ખાસ બનાવવામાં આવે છે. 

ટીંડા બેબી પમ્પકીન કે ઍપ્પ્લ ગૉર્ડ તરીકે ઓળખાય છે. વેલ ઉપર સૌ પ્રથમ પીળાં ફૂલ આવે છે. ટીંડાના પાન ગોળાકાર હોય છે. ટીંડા દેખાવમાં આછા લીલા રંગના હોય છે. અંદરનો માવો સફેદ જોવા મળે છે. નાના બીજ હોય છે. જે કાઢી લેવાં. દૂધી જેવું અંદરથી હોવાથી તેને ચાખ્યા બાદ તેનું રસાવાળું કે કોરું શાક બનાવવામાં આવે છે. અનેક ગૃહિણી તેનું અથાણું બનાવે છે. તેનો રસ ત્વચા તેમજ વાળ માટે ગુણકારી ગણાય છે. કાકડીની જેમ તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. 100 ગ્રામ ટીંડામાં 93.5 ગ્રામ પાણી સમાયેલું હોય છે.
 
ટીંડાને ભારતની વિવિધ ભાષામાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે સંસ્કૃતમાં રોમશફલ કે ચિત્તગોદુમ્બા, મરાઠીમાં ઢેમશે, રાજસ્થાનમાં ટિંડસી,સિન્ધમાં દિલપસન્દ, મલયાલમમાં દેંડસે કે દિંડશી, વાનસ્પતિક નામ પ્રસિટ્રલસ્ ફિસ્ટુલોસ્સ છે. અંગ્રજીમાં તેને ઈન્ડિયન રાઉન્ડ ગૉર્ડ કહેવામાં આવે છે. ટીંડાના છોડના ફૂલ, ફળ તેમજ બીજનો ઉપયોગ ઔષધી તરીકે આયુર્વેદમાં ખાસ કરવામાં આવે છે. એવી પણ માહિતી જાણવા મળે છે કે ટીંડાના બીજનો ઉપયોગ યાદશક્તિ વધારવામાં મદદ કરી શકે છે.  ટીંડાની ખેતી ભારતમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં મોટા પાયે કરવામાં આવે છે. 

સ્વાસ્થ્યવર્ધક લાભ

વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી : ટીંડામાં કૅલરીની માત્રા ઘણી ઓછી જોવા મળે છે. જેથી તેનો ઉપયોગ વજનને નિયંત્રણમાં રાખવા ઈચ્છતી વ્યક્તિ માટે ફાયદાકારક ગણાય છે. ટીંડામાં ફાઈબરની માત્રા ભરપૂર  પ્રમાણમાં હોય છે. જેથી તેના સેવન બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. 

કબજિયાતમાં ગુણકારી : 100 ગ્રામ ટીંડામાં 1.6ગ્રામ ફાઈબર હોય છે. તેમજ 93.5 ગ્રામ પાણી હોય છે. જેથી તેનું સેવન કરવાથી કબજિયાતની તકલીફથી વ્યક્તિ બચી શકે  છે. પેટમાં લાંબા સમયથી જમા થયેલાં કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે. ભોજન બાદ આફરો ચઢવો કે પેટ ફૂલી જવાની તકલીફ હોય તેમને માટે ટીંડાનો આહારમાં ઉપયોગ ઉત્તમ ગણાય છે.

હૃદય સ્વાસ્થ્ય માટે લાભકારી : હૃદયની તંદુરસ્તી જાળવવા માટે નિષ્ણાતો દ્વારા વારંવાર જાહેરમાં ભાર મૂકીને જણાવવામાં આવે છે કે કૉલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય તેવો આહાર કે કડધાન્યનો ઉપયોગ કરવો જોઈએ. હૃદયની માંસપેશીમાં લોહીનું પરિભ્રમણ સુચારૂ રીતે થાય તે માટે ટીંડાનો આહારમાં ઉપયોગ  ગુણકારી ગણાય છે.

ત્વચા માટે ફાયદાકારક : ટીંડામાં ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા સમાયેલી હોય છે. જે ફ્રિ-રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. જેને કારણે ત્વચાની મુલાયમતા તેમજ ચમક જાળવવામાં મદદ મળે છે. ટીંડામાં વિટામિન ઈની માત્રા સમાયેલી છે. જે ત્વચાને મુલાયમ બનાવવાની સાથે મોઈશ્ર્ચર જાળવી રાખવામાં મદદરૂપ બને છે. ત્વચા સંબંધિત વિવિધ સમસ્યાઓ જેવી કે ચહેરા ઉપર કાળા ડાઘ, ત્વચા સૂકી બનવી, બ્લૅક હેડસ્ની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ત્વચાની સાથે વાળ માટે ટીંડાનો આહારમાં સમાવેશ ગુણકારી ગણાય છે. કેમ કે તેમાં વિટામિન્સ તેમજ મિનરલ્સ સારા પ્રમાણમાં સમાયેલાં હોય છે. જે માથામાં ખંજવાળ, વાળ ખરવાં  કે ત્વચા સૂકાઈ જવાની કે ખોડો થવાની સમસ્યાથી રાહત અપાવે છે. 

આંખો માટે લાભકારી : ટીંડામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ હોય છે. જે આંખો માટે લાભકારી ગણાય છે. કૈરોટીનૉઈડ, ઍન્ટિ-ઑક્સિડન્ટ, લ્યૂટિન, જૈક્સૈથિનની માત્રા સમાયેલી હોય છે. જેથી તેનું સેવન કરવાથી મોતિયાબિંદુની તકલીફને પાછળ ઠેલી શકાય છે. 

ડાયાબિટીસને  નિયંત્રણમાં રાખવામાં ગુણકારી : ટીંડાનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો છે. જેથી તેના સેવન બાદ લોહીમાં શર્કરાની માત્રા ઝડપથી વધી જતી નથી. ટીંડામાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોવાને લીધે  લોહીમાં શર્કરાની માત્રા ધીમે ધીમે ભળે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે ઉત્તમ શાક ગણાવી શકાય.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં લાભકારી : ટીંડામાં વિટામિન સી તેમજ ઍન્ટિઓક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ચોમાસામાં ઝડપથી ફેલાંતા ચેપી રોગથી રાહત મેળવી શકાય છે. 

કિડનીને ડિટોક્સ કરવામાં સહાયક : ટીંડાનું સેવન કરવાથી શરીરમાં રહેલી ગંદકી પેશાબ દ્વારા  સરળતાથી બહાર નીકળી જાય છે. કિડનીમાં પ્રવાહીને વધારે છે. જેને કારણે કિડનીમાં ગંદકી જમા થતી નથી. મૂત્રાશય તેમજ કિડનીની નળીને સ્વચ્છ રાખવામાં ટીંડાનું સેવન ગુણકારી ગણાય છે. હવે તો બારેમાસ ટીંડા મળી રહે છે. તેમ છતાં વરસાદી મોસમમાં તાજા ટીંડા ઉપલબ્ધ હોય ત્યારે સપ્તાહમાં 3-4 દિવસ તેનું સેવન કરવું જોઈએ. 

રસદાર શાક

સામગ્રી: 250 ગ્રામ ટીંડા, 3 નંગ ટમેટાં, 4-5 કળી લસણ, 2 નંગ ડુંગળી ઝીણી સમારેલી, 1 નાની ચમચી ખાંડ, 1 નાની ચમચી લાલ મરચું, 1 નાની ચમચી આદુંની કતરણ, 1 નાનીચમચી કિચનકિંગ મસાલો, સ્વાદાનુસાર મીઠું, અડધી ચમચી આમચૂર પાઉડર, 2 ચમચી ધાણાજીરું પાઉડર, 1 નાનું દગડ ફૂલ, 1 ચમચી વરિયાળીનો પાઉડર, 1 ચમચી ઘી, દોઢ ચમચી તેલ. સજાવટ માટે કોથમીર.

બનાવવાની રીત : સૌ પ્રથમ ટીંડાને બરાબર વહેતાં પાણીમાં ધોઈ લેવાં. તેને સાફ કરીને તેમાં ચાર કાપ મૂકવા. તેને ધીમા તાપે તેલમાં સાંતળવા. 5 મિનિટ બાદ તેલમાંથી કાઢીને એક બાઉલમાં રાખવા. હવે તે જ તેલમાં ટામેટાં તેમજ લસણને આખા જ સાંતળવા. ટામેટાં નરમ બને ત્યારબાદ તેની છાલ કાઢીને તેને પાંઉભાજી બનાવવાના ડટ્ટાથી એકરસ કરવું.  તેમાં ઝીણાં સમારેલી ડુંગળી ઉમેરવી. ડુંગળી બરાબર સંતળાઈ જાય ત્યારબાદ ટીંડાને ઉમેરવાં. 

ધાણાજીરું, લાલા મરચું, દગડ ફૂલ, વરિયાળીનો પાઉડર સ્વાદાનુસાર મીઠું, કિચનકિંગ મસાલો, ભેળવવો. આમચૂર પાઉડર તથા ખાંડ ભેળવવી. શાકને બરાબર સીઝવવું, ટીંડા ગ્રેવીમાં એકરસ બની જાય ત્યારબાદ તેમાં 1 ચમચી ચોખ્ખું ઘી ઉમેરવું. લીંબુનો રસ ભેળવીને બરાબર ભેળવી લેવું, કોથમીરથી સજાવીને સ્વાદિષ્ટ ગરમાગરમ શાક પરાઠા કે ફૂલકા રોટલી સાથે પીરસવું.