Tue Jun 30 2026

Logo

ફોકસઃ શરીરને ઠંડક આપે છે આ જ્યુસ...

2026-06-30 09:47:00
Author: Rekha Deshraj
Article Image

રેખા દેશરાજ

ઉત્તર ભારતથી લઈને મધ્ય અને પશ્ર્ચિમ ભારત સુધી હાલમાં સૂર્ય જાણે આગ વરસાવી રહ્યો છે. લગભગ બે તૃતીયાંશ શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે અને હીટ વેવ હવે માત્ર ઋતુગત મુશ્કેલી નહીં પરંતુ ગંભીર આરોગ્ય પડકાર બની ગઈ છે. આવી સ્થિતિમાં, જ્યારે હૉસ્પિટલોમાં ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, થાક અને લૂથી પીડિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પણ ભારતીય ઘરોમાં એક પરંપરા પ્રત્યે લોકોનો વિશ્વાસ અડગ છે તે છે 

ભારતીય જડીબુટ્ટીઓ પ્રત્યેની લોકમાન્યતા. ક્યાંક બેલનું શરબત તૈયાર થઈ રહ્યું છે, ક્યાંક વરિયાળીનું, ક્યાંક ફુદીના, ધાણા અને ખસમાંથી બનેલાં પીણાં શરીરને ઠંડક પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. 

રસપ્રદ વાત એ છે કે આધુનિક વિજ્ઞાન પણ હવે આ જડીબુટ્ટીઓમાં રહેલા અનેક કુદરતી સંયોજનો અને તેમના સંભવિત આરોગ્યલાભોનો અભ્યાસ કરી રહ્યું છે. કારણ કે આપણે હાલમાં જલવાયુ પરિવર્તનના અત્યંત જોખમી સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ, તેથી ભારતીય જડીબુટ્ટીઓની ઉપયોગિતા અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. પરંપરા અને વિજ્ઞાનના આ સંગમને સમજવું આજે પહેલાં કરતાં વધુ પ્રાસંગિક બની ગયું છે. ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પ્રણાલી શરીર અને ઋતુઓ વચ્ચેના સંબંધને વિશેષ મહત્ત્વ આપે છે. 

આયુર્વેદ અનુસાર, ઉનાળાની ઋતુ દરમિયાન શરીરમાં પ્રવાહીની ઉણપ થાય છે અને પિત્તનો પ્રભાવ વધે છે. તેથી, શરીરને ઠંડુ પાડતા અને ઊર્જા જાળવી રાખતા ખોરાક અને ઔષધિઓનું સેવન કરવું ફાયદાકારક છે. આ જ કારણ છે કે આજકાલ ફરીથી સમાજમાં સદીઓથી સ્વીકારાયેલી બેલ, વરિયાળી, ફુદીનો, ખસ, આમળાં, ધાણા અને ગુલકંદ જેવી વસ્તુઓનો ઉનાળામાં ઉપયોગ વધી ગયો છે. 

નિષ્ણાતોનું માનવું છે કે આ જડીબુટ્ટીઓની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં રહેલા કુદરતી તત્ત્વો શરીરને હાઇડ્રેટ રાખવામાં, પાચનતંત્રને સંતુલિત કરવામાં અને ગરમીને કારણે થતી બેચેની ઘટાડવામાં મદદરૂપ થાય છે. જો વરિયાળીના પાણીને પરંપરાગત રીતે શીતળ માનવામાં આવે છે, તો ઉનાળામાં આ પાણીના પીણાં તરીકે થતા વ્યાપક ઉપયોગથી મળતાં પરિણામો પણ આ માન્યતાને ટેકો આપે છે, એટલે કે આ માન્યતા ઘણી હદ સુધી યોગ્ય સાબિત થાય છે. આ જ રીતે ફુદીનો શરીરને તાજગી આપે છે અને ગરમીને કારણે લાગતો થાક તેમ જ ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓને ઘટાડવામાં મદદરૂપ બને છે. 

બેલનું ફળ ઉનાળાની એક આગવી ઓળખ છે. ગ્રામ્ય વિસ્તારોમાં સદીઓથી ગરમી અને લૂથી બચવા માટે બેલનું શરબત પીવામાં આવે છે. ફાઇબર અને ખનિજ તત્ત્વોથી સમૃદ્ધ બેલમાં એવા અનેક ગુણધર્મો છે, જે શરીરને ગરમી સામે લડવામાં મદદ કરે છે અને પાચનતંત્રથી લઈને શરીરની ઊર્જા સુધી બધાનું રક્ષણ કરે છે. આ જ કારણ છે કે હવે આધુનિક તબીબો પણ બેલ આધારિત પીણાંને ઉનાળામાં ઉપયોગી વિકલ્પ તરીકે ગણાવી રહ્યા છે. 

આવી જ એક ઉપયોગી અને ઉનાળાની ગરમી સામે અસરકારક ઔષધીય ફળ છે આમળાં. તેનું મહત્ત્વ માત્ર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ તત્ત્વો પૂરતું મર્યાદિત નથી, પરંતુ વધતી ગરમી અને બદલાતા હવામાન વચ્ચે થતા ચેપથી બચવામાં પણ તે અત્યંત ઉપયોગી છે. તેમ છતાં, એ સમજવું જરૂરી છે કે જડીબુટ્ટીઓ હિટ વેવનો ઉપચાર નથી કરતી. જો કોઈ વ્યક્તિને તાવ, બેભાન થવું, અત્યંત નબળાઈ અથવા હિટ સ્ટ્રોકનાં લક્ષણો દેખાય, તો તેને માત્ર ઘરગથ્થુ ઉપાયો પર નિર્ભર રાખવું જોખમી બની શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક તબીબી સહાય લેવી અત્યંત જરૂરી છે.

આધુનિક તબીબી વિજ્ઞાન સ્પષ્ટપણે કહે છે કે હિટ સ્ટ્રોક એક તાત્કાલિક સારવારની જરૂરિયાત ધરાવતી ગંભીર સ્થિતિ છે, જેનો સમયસર ઉપચાર અત્યંત જરૂરી છે. જો સમયસર સારવાર ન મળે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. જોકે, વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે જડીબુટ્ટીઓમાં એવાં તત્ત્વો રહેલાં હોય છે, જે શરીરના સામાન્ય આરોગ્યને વધુ સારું બનાવવામાં મદદરૂપ થાય છે. તેમના પ્રભાવને કોઈ ચમત્કારીક ઉપાય તરીકે જોવો યોગ્ય નથી. તેમ છતાં, સાવચેત જીવનશૈલી અને જડીબુટ્ટીઓનો યોગ્ય ઉપયોગ ઉનાળાની ગરમી સામે લડવા માટે શરીરને કુદરતી રીતે શક્તિ આપે છે. 

તેથી, જ્યારે આકાશમાંથી આગ વરસતી હોય તેવી ગરમી પડતી હોય, ત્યારે શરીરમાં પૂરતું પાણી જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. ઓ.આર.એસ. નો ઉપયોગ કરવો, તડકામાં બહાર નીકળવાનું ટાળવું, હળવા અને સુતરાઉ કપડાં પહેરવા, પૌષ્ટિક આહાર લેવો અને જડીબુટ્ટીઓનો દૈનિક ખોરાકમાં સમાવેશ કરવો  આ બધું ગરમીથી અસરકારક બચાવ કરવામાં મદદરૂપ બને છે. પરંતુ એક વાત યાદ રાખવી જરૂરી છે. આજકાલ હર્બલ ઉત્પાદનો એક મોટો વ્યવસાય બની ગયો છે. 

વિવિધ સંશોધનો અને સર્વેક્ષણોમાં જાણવા મળ્યું છે કે બજારમાં મળતી લગભગ 50 ટકા સુધીની જડીબુટ્ટીઓ તો નકલી હોય છે અથવા તેમાં તે જરૂરી તત્ત્વો જ મળતા નથી, જેના કારણે તે પ્રસિદ્ધ છે. કારણ કે ઘણી વખત તેને વ્યાવસાયિક હેતુઓ માટે રાસાયણિક ખાતરો અને અન્ય કૃત્રિમ પદ્ધતિઓ દ્વારા ઝડપથી તૈયાર કરવામાં આવે છે. તેથી નિષ્ણાતો સલાહ આપે છે કે ઘરે તૈયાર કરાયેલા જડીબુટ્ટીઓના કુદરતી પીણાં પર વધુ વિશ્વાસ રાખવો જોઈએ. બજારમાં મળતા તૈયાર હર્બલ ઉત્પાદનોનો શક્ય હોય તેટલો ઓછો ઉપયોગ કરવો યોગ્ય છે. 

શહેરી વિસ્તારોમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં કિચન ગાર્ડનની લોકપ્રિયતા વધવાનું પણ આ જ એક મુખ્ય કારણ છે. કિચન ગાર્ડનમાં આપણે દૈનિક ઉપયોગમાં આવતી ઘણી જડીબુટ્ટીઓ જાતે ઉગાડી શકીએ છીએ, અને તે ઘણીવાર બજારમાં મળતા હર્બલ કંપનીઓના ઉત્પાદનો કરતાં વધુ સારાં પરિણામો આપે છે. બહરહાલ, આજે જ્યારે જલવાયુ પરિવર્તનના કારણે ગરમી અત્યંત ભયાનક સ્તરે પહોંચી ગઈ છે, ત્યારે પણ વિશ્વ આરોગ્ય સંસ્થા ભારતીય જડીબુટ્ટીઓના યોગ્ય ઉપયોગને લાભદાયક અને અસરકારક માને છે. 

પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા માત્ર જડીબુટ્ટીઓના સહારે કોઈ પણ આપાતકાલીન અથવા ગંભીર આરોગ્ય પરિસ્થિતિનો સામનો કરવાની સલાહ આપતું નથી. સ્પષ્ટ છે કે તે જડીબુટ્ટીઓને આધુનિક ચિકિત્સાનો વિકલ્પ નહીં, પરંતુ એક પૂરક ઉપાય તરીકે જુએ છે, જે શરીરને બદલાતા હવામાન અને ઋતુઓ સાથે અનુકૂળ થવામાં મદદ કરે છે. આથી, આજની જરૂરિયાત એ છે કે આપણે પરંપરાગત જ્ઞાનને વૈજ્ઞાનિક વિચારસરણી સાથે જોડીને અપનાવીએ.