...એ વખતે માણસના મનમાં શું ચાલતું હોય છે?
ઔર યે મૌસમ હંસીં... - દેવલ શાસ્ત્રી
મોબાઈલમાં કોન્ટેક્ટ્સ (નામ અને નંબર) સેવ કરવાની પદ્ધતિ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. નેમ સેવ કરવાના પ્રોસેસમાં સંબંધોની વ્યાખ્યા, વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ, સંસ્કૃતિ અને મનોવૈજ્ઞાનિક કારણો સહિત અનેક પરિબળ ભાગ ભજવે છે. માટે આપણે જયારે કોઈનો નંબર સેવ કરીએ છીએ ત્યારે આપણા મગજમાં આવી અનેક પ્રક્રિયા ચાલતી હોય છે.
અલગ અલગ અભ્યાસો અનુસાર, એવરેજ વ્યક્તિના ફોનમાં 150 થી 700 જેટલા કોન્ટેક્ટ્સ હોય છે. સોશિયલ બ્રેન થિયરી અનુસાર, આપણે માત્ર 150 જેટલા સંબંધ જ યાદ રાખી શકીએ છીએ. આ કારણે મોબાઈલમાં નામ સેવ કરવા જાતજાતના તુક્કાઓ લગાવવા પડે છે. કુછ સમજે?
દુનિયાભરમાં લોકોની મોબાઈલમાં નામ સેવ કરવાની અલગ અલગ મેથડ છે. આપણે ત્યાં મહદઅંશે અટક સાથે નામ લખીએ છીએ. આ ઉપરાંત પપ્પા- મમ્મી- ફોઈ- કાકા, જીજાજી, વગેરેના નંબર માટે સંબંધ આધારિત નામ સેવ કરીએ છીએ. ઈલેક્ટ્રિશિયન, સિક્યુરિટી, પ્લમ્બર, માળી, લોન્ડ્રીના નામ વ્યવસાય સાચવીએ છીએ. એજ રીતે કેટલાક નંબર સેવ કરવા માટે ઘર, ગામ કે વિદેશના નામોનો પણ ઉપયોગમાં કરીએ છીએ.
એક અભ્યાસ મુજબ યુરોપમાં નિકટની ગમતી વ્યક્તિનું નામ સેવ કરવામાં ઇમોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. એક અભ્યાસ મુજબ આફ્રિકાના ઘણાખરા દેશમાં પહેલીવાર જે સ્થળ પર મળ્યા હતા એ સ્થળના ઉલ્લેખ સાથે કોન્ટેક્ટ સેવ કરવામાં આવે છે. જાપાનીઓ નામ સાથે ઈમોજી વાપરવા ઉપરાંત નીક હુલામણું નામનો અથવા કોઈ ક્યૂટ નામનો ઉપયોગ કરે છે. સાઉદી અરેબિયા અને મધ્ય એશિયામાં નામ અને સંબંધ સાથે પોતાની આત્મીયતા જોડીને નામ સેવ કરવામાં આવે છે. ખાસ તો બ્રધર, સિસ્ટર કે એ સંબંધને દિલથી જોડીને નામ સેવ કરવાની કળા અભ્યાસ માંગી લે એવી છે.
ભારતમાં નામ સેવ કરવામાં ઇમોજીનો સૌથી ઓછો ઉપયોગ કરવામાં આવે છે. આપણે કદાચ જીવનસાથીના નામ પાસે દિલ મૂકતા નથી, જો કે એ માટે કોઈને નંબર આપવો હોય તો અનુકૂળતા રહે એ માટે સામાજિક બંધનોને ધ્યાનમાં લેવામાં આવે છે. બાકી તો નામ સેવ કરવાની માથાકૂટમાં દુનિયામાં કેટલીક સમસ્યાઓ કોમન છે. એકસરખા નામને અલગ કેવી રીતે પાડવા એ સમસ્યા આપણા એકલાની નથી. એનો અર્થ એ થયો કે દુનિયાભરના માણસો નામ સેવ કરતી વખતે અચેતન રીતે વિચારે છે. ઘણા લોકો નામને પૂરું લખવા સાથે ઘણા રેફરન્સ ઉમેરીને લખે છે જેથી સર્ચ કરવું સરળ બને.
નામ સેવ કર્યા પછી તે વિચારે છે કે, સમાન નામ હોય તો કેવી રીતે અલગ પડશે? નામની પાછળ એક બે ત્રણ નંબર આપીને અલગ પાડતા હોય છે. કોણે ઓળખાણ કરાવી એનું ય નામ લખીએ છીએ. ભૂલવાની બીમારી અલગ સમસ્યા છે. નામ વારંવાર ભૂલો તો બી 1-2 વખત ચેક કરાવતા રહેવું. વ્યવસાય અથવા એના ગામ કે વિસ્તાર ઉમેરવું કોમન છે પણ કેટલાક મહાનુભાવો માટે વ્યસનથી ય નામ લખવામાં આવતું હોય છે. ફલાણોભાઈ દારૂ કે નવરો જેવા શબ્દ ઉમેરીને કામ આસાન કરવામાં આવે છે. ખાસ કરીને ભૂતકાળના અનુભવોને આધારે ડોન્ટ આન્સર આફ્ટર 9 ઙખ તરીકે સેવ કરે છે.
જો કે લાઈફ પાર્ટનર અથવા અંગત મિત્રો માટે વિશિષ્ઠ નિકનેમ જેમ કે ડાર્લિંગ, બેબી અથવા હની જેવા નામ સેવ કરે છે, કારણ કે તે નામ સેવ કરતી વેળાએ સંબંધની નિકટતા ગમે છે. એ સમયે મનમાં એટલો જ વિચાર ચાલતો હોય છે કે આ રીતે નામ લખવાથી ખુશી મળશે. જો કે એક અભ્યાસ એવું માને છે કે પતિ પત્ની અથવા નજીકના સંબંધમાં રોમેન્ટિક નિક નેમ વાપરવાથી સંબંધની મધુરતા વધે છે.
નામ સેવ કરવા માટે મગજ ચલાવવું પડતું હોય છે એનું સૌથી મોટું કારણ છે કે આપણને નામ ડીલીટ કરવાની આદત નથી. કોઈ વ્યક્તિનો ગમે ત્યારે ફોન આવી શકે છે અથવા જીવનમાં ક્યારે પણ જરૂર પડી શકે છે એ ડરથી આપણે નામ ડીલીટ કરતા જ નથી. આ કારણે આપણા મોબાઈલમાં અસંખ્ય બિનજરૂરી નંબર પણ હોય છે. સમસ્યા અહીંથી શરૂ થાય છે કે નવા કોન્ટેક્ટને જૂના નંબરથી અલગ કેવી રીતે પાડવા.
જે સંબંધોમાં માણસનું મન સુરક્ષિત હોવાનો અનુભવ કરતું હોય ત્યાં નામ સેવ કરવામાં ક્ષણભર રાહ જોતું નથી. આ નામમાં લખતી વેળાએ કશો ઉમેરો કરે ત્યારે ખુશીઓ ઉલ્લેખ ઉમેરે છે. એ જ વ્યક્તિને કોઈ સંબંધમાં ડર લાગતો હોય, ચિંતા રહેતી હોય ત્યારે નામ સેવ કરે છે ત્યારે તેની માનસિકતા અલગ જ હોય છે. એ રીતે કેટલાક સંબંધ ફોર્મલ હોય છે. ઓફિસમાં સાથે કામ કરતા સહકર્મી અથવા પાડોશીઓ કે પછી સોશ્યલ મીડિયાને લીધે થયેલા મિત્રોમાં મોટેભાગે સંબંધોમાં ઉષ્મા હોતી નથી. આ સંબંધમાં જયારે મોબાઈલમાં નામ સેવ કરવામાં આવે છે ત્યારે એ સાવ સીધી સાદી રીતે નામ અને અટક લખવામાં આવે છે.
સરવાળે મોબાઈલમાં નામ કેવી રીતે સેવ કરો છો એનો દરેક વ્યક્તિએ સ્વયં અભ્યાસ કરવો જોઈએ. આ નિરીક્ષણ બતાવશે કે તમારા દિલ અને દિમાગમાં સંબંધોને કેવી રીતે વ્યાખ્યા કેવી રીતે કરો છો. રાહ કોની જુઓ છો? કેટલા નકામા નંબર તમારા મોબાઈલમાં પડ્યા છે એ તો શોધો.
ધ એન્ડ
બે ભૂલ કરવાથી કોઈ વાત ઠેકાણે પડતી ના હોય તો ત્રીજી ભૂલ કરવી જોઈએ. (લોરેન્સ પીટર)