Wed Jun 10 2026

Logo

રોશનીને નામે કૌભાંડનું અંધારું

2026-06-10 09:19:00
Author: Praful Shah
Article Image

પ્રફુલ શાહ

અતિશયોક્તિનું જોખમ લઈનેય કહેવું ગમે કે કૌભાંડની કલ્પના શક્તિમાં ભારત અવ્વલ નંબરે આવે. જાનવરના ઘાસથી લઈને માનવીના કફન સુધી સ્કૅમ કરી બતાવ્યાં છે મેરા ભારત મહાનના નેતા અને બાબુ લોગોએ. એક કૌભાંડ તો રોશની ઍક્ટ નામના કાયદાના ઓઠા હેઠળ આચરાયું હતું બોલો. 

આપણામાંથી બહુ ઓછા લોકોને રોશની ઍક્ટ વિશે કોઈ જાણકારી હોવાની શક્યતા છે. તો આરંભ કરીએ રોશની ઍક્ટની માહિતીથી. જમ્મુ અને કાશ્મીર રાજ્યના મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહની સરકારના કાળની વાત છે. 2001માં ફારૂક અબ્દુલ્લાહના કાર્યકાળ દરમિયાન અમલમાં મૂકવામાં આવ્યો હતો એક કાયદો, 

જમ્મુ અને કાશ્મીર સ્ટેટ લૅન્ડ (વેસ્ટિંગ ઑફ ઓનરશિપ ટુ ઑક્યુપન્ટ્સ) ઍક્ટ, 2001. 

આ કાયદાનો હેતુ ખૂબ ઉમદા હતો. એના હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યની જમીન પર ગેરકાયદે રીતે કબજો ધરાવતા લોકોને, જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા નક્કી કરાયેલી રકમ ચૂકવ્યા બાદ તે જમીનની માલિકી આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. કલ્પના કરો ગેરકાયદે જમીન પચાવી બેઠેલા લોકોને સજા કરવાને બદલે જમીનના કાયદેસરના માલિક બનાવવાને સ્કીમ હતી આ. પણ અગાઉ જણાવ્યા મુજબ આ કવાયત પાછળનો હેતુ વીજ પ્રોજેક્ટો માટે નાણાં એકઠાં કરવાનો હતો. રાજ્ય સરકાર દ્વારા આ યોજનામાંથી મળનારી આવકનો ઉપયોગ વીજ પ્રોજેક્ટોને ભંડોળ પૂરું પાડવા માટે કરવાનો વિચાર હોવાથી આ કાયદાને બિનસત્તાવાર રીતે ‘રોશની ઍક્ટ’ નામ મળ્યું હતું. સરકારે અંદાજે 20.46 લાખ કનાલ (લગભગ 1.02 હેક્ટર) જમીનની માલિકી હસ્તાંતર કરીને 25000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. 

શરૂઆતમાં નૅશનલ કૉન્ફરન્સ પાર્ટીની

ફારૂક અબ્દુલ્લાહ સરકારે આ યોજનાનું કટ-ઑફ વર્ષ 1990 રાખ્યું હતું. બાદમાં પીડીપી-કૉંગ્રેસ સરકાર દ્વારા પહેલાં કટ-ઑફ વર્ષ 2004 સુધી અને ફરી 2007 સુધી લંબાવવામાં આવ્યું હતું. વિચાર આવે કે સદીઓથી કાળા ડિબાંગ અંધકારમાં ગરકાવ કેટકેટલાં ગામોમાં રોશની જ રોશની થઈ હશેને? 

પરંતુ રાજ્યમાં વીજ પ્રોજેક્ટોને નાણાકીય સહાય આપવા માટે ભંડોળ ઊભું કરવાના હેતુથી રાજ્યની જમીનના કબજેદારોને માલિકીના હક્કો આપવાની જોગવાઈ કરતો કાયદાના નામે મસમોટો ગોટાળો થયો હોવાનું  2014માં બહાર આવ્યું હતું. 

હા, વર્ષ 2014માં રાજ્યના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (કેગ-કમ્પટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ)એ આ કાયદાના અમલમાં અનિયમિતતાઓ આચરાઈ હોવાના મુદ્દા ઉઠાવ્યા હતા. અને 2015માં સ્ટેટ વિજિલન્સ ઑર્ગેનાઇઝેશને 20થી વધુ સરકારી અધિકારીઓ સામે આ કાયદાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે કમનસીબે  કોઈની સામે કાર્યવાહી કરવામાં આવી નહોતી, પરંતુ 2015થી ગેરકાયદેસર રીતે હસ્તગત કરાયેલી કેટલીક જમીન પાછી મેળવવાના પ્રયાસો શરૂ થયા હતા. 

અંતે 2018માં જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્ય પાલ મલિકના કાર્યકાળ દરમિયાન આ કાયદો રદ કરવામાં આવ્યો હતો. તેમણે રોશની ઍક્ટ કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપી દીધી હતી. 

આમાં વળી કેવું કૌભાંડ થઈ શકે? હજી રોશની લૅન્ડ સ્કૅમની સપાટી ખોદાતાં મોટાં હાડપિંજર નીકળવાનાં હતાં.   

(ક્રમશ:)