Tue Jun 02 2026

Logo

થાણેમાં આ દિવસે રહેશે  પાણીકાપ

2026-06-02 20:45:20
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે:
 થાણે મહાનગરપાલિકાની હદમાં આવતા અમુક વિસ્તારોમાં ગુરુવારથી શુક્રવાર સુધીના ૨૪ કલાક માટે પાણીકાપ મૂકવામાં આવ્યો છે. આ દરમ્યાન નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની પાલિકા પ્રશાસને અપીલ કરી છે.

થાણેના મુમ્બ્રા, દિવા, કલવા, માજીવડા-માનપાડા અને વાગલે એસ્ટેટમાં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. અલ નીનો અને અસરને કારણે દરિયાઈ પ્રવાહો સક્રિય થવાથી ચોમાસું લંબાઈ જવાની  શક્યતા છે.  તેથી આ  સંદર્ભમાં ૧૪ મે, ૨૦૨૬ના રોજ જળ સંસાધન વિભાગ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકના નિર્ણય મુજબ ભવિષ્યમાં પાણીની અછત ન સર્જાય તે માટે પાણી કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય મુજબ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના જાંભુલ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી કરવામાં આવતો પાણી પુરવઠો ગુરુવાર, ૪ મે, ૨૦૨૬ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યાથી શુક્રવાર, પાંચ મે, ૨૦૨૬ ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી કુલ ૨૪ કલાક માટે બંધ રહેશે. આ સમયગાળા દરમ્યાન થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના દિવા, મુમ્બ્રા (વોર્ડ નં. ૨૬ અને ૩૧ ના કેટલાક ભાગો સિવાય) અને કલવા વોર્ડ સમિતિ અને વાગલે વોર્ડ સમિતિ હેઠળના રૂપાદેવી પાડા, કિસાનનગર નં. ૨, નહેરુ નગર અને માનપાડા વોર્ડ હેઠળના કોલશેટ પાસેના ગામમાં ૨૪ કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. 

નાગરિકોએ નોંધ લેવાની રહેશે કે પાણી પુરવઠો શરૂ થયા પછી આગામી એક થી બે  દિવસ સુધી પાણી પુરવઠો ઓછા દબાણે રહેશે. ઉપરાંત, પાણી કાપના સમયગાળા દરમિયાન પાણીનો ઉપયોગ કરકસરથી કરવાનો રહેશે.