Wed Sep 02 2026

Logo

2016ના અકસ્માત માટે બાળકીને પચીસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ

2026-02-20 17:38:00
Author: Yogesh D. Patel
2016ના અકસ્માત માટે બાળકીને પચીસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ

બાળકીનું ‘ઉજ્જવળ ભવિષ્ય’ અવરોધાયું: ટ્રિબ્યુનલ

થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) લગભગ એક દાયકા અગાઉ અકસ્માતમાં કાયમી શારીરિક દિવ્યાંગતાનો ભોગ બનેલી બાળકીને 25.2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો અને નોંધ્યું હતું કે તેનું ‘ઉજ્જવળ ભવિષ્ય’ હતું.

ટ્રિબ્યુનલનાં સભ્ય આર.વી. મોહિતેએ બુધવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે અકસ્માત સમયે ગ્રેસી નીતિન થોરાત માત્ર એક વર્ષની હતી અને અન્ય લોકોની બેદરકારીને કારણે તેને જીવનભર પડકારોનો સામનો કરવો પડશે. નવી મુંબઈના દિઘા વિસ્તારમાં 16 ફેબ્રુઆરી, 2016ના રોજ ગ્રેસી ઘરની સામે રમી રહી હતી ત્યારે પુરઝડપે રિવર્સમાં આવી રહેલી કારે તેને ટક્કર મારી હતી.
દાવેદાર (બાળકી)ના પિતા શિક્ષક છે અને તેની માતા ટ્યૂશન આપે છે. આથી દાવેદારનું ભવિષ્ય ઉજ્જવળ હતું, એમ ટ્રિબ્યુનલે જણાવ્યું હતું.

ટ્રિબ્યુનલે કારના માલિક સતેન્દ્રકુમાર સી. ભટનાગર અને વીમા કંપનીને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવા માટે જવાબદાર ઠેરવ્યા હતા અને અરજી દાખલ કર્યાની તારીખથી નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

બાળકી વતી એડવોકેટ યુ.આર. વિશ્ર્વકર્મા, જ્યારે વાહનના માલિક વતી આર.એન. ગુરનાની અને વીમા કંપની વતી એ. પવાર હાજર રહ્યા હતા. સુધીર વાય. પવાર જેને કાર વેચવામાં આવી હતી, જેને પ્રતિવાદી બનાવવામાં આવ્યો હતો, પણ બાદમાં તેને દાવાની અરજીમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)