બેલફાસ્ટઃ આયરલૅન્ડે પ્રથમ ટી20માં ભારતને 34 રનથી હાર આપી હતી. આયરલૅન્ડની જીતના હીરો ભારતીય મૂળનો જય રહ્યો હતો. તેણે સંજુ સેમસને આઉટ કરીને ભારતના પતનની શરૂઆત કરી હતી. જયની બહેન-મા રાજસ્થાના સ્પેર પાર્ટસની દુકાન ચલાવે છે, જ્યારે ભાઈ સ્વીડનની ક્રિકેટ ટીમમાં છે.

જય 2021માં એમ.ટેકનો અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા પર આયરલૅન્ડે ગયો હતો. આ સમય દરમિયાન, તેણે ત્યાં કામ કર્યું અને 2025માં તેને આયરલૅન્ડની નાગરિકતા મળી હતી. તેની આક્રમક બોલિંગ અને શાનદાર બેટિંગના કારણે તેની આયર્લેન્ડની ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. ટોંક શહેરમાં રહેતો તેનો પરિવાર આ સિદ્ધિથી ખૂબ જ ખુશ છે. તેની માતાએ કહ્યું, મારા પુત્રએ મારું સપનું સાકાર કર્યું છે.
જયના માતા વિદ્યાએ જણાવ્યું કે, જયના પિતા ગિરિરાજનું અવસાન થઈ ચૂક્યું છે. હવે તેમનો પુત્ર આયર્લેન્ડની ક્રિકેટ ટીમ માટે રમી રહ્યો છે. દેશમાં તેની ચર્ચા થઈ રહી છે; આ અમારા માટે ગર્વની ક્ષણ છે. જયના પિતાનું સપનું હતું કે તે એક મહાન ક્રિકેટર બને. આજે તેમનું સપનું સાકાર થયું છે. જો તેઓ આજે અમારી સાથે હોત, તો તેમને તેમના પુત્રની સફળતા પર ખૂબ ગર્વ થયો હોત.
તેમણે ઉમેર્યું, તે ભારતને બદલે આયરલૅન્ડ તરફથી રમી રહ્યો છે, પરંતુ ખુશી એ વાતની છે કે તેની મહેનતની કદર થઈ છે અને તેને નેશનલ ટીમમાં સ્થાન મળ્યું છે. નાની બહેન માનસીએ કહ્યું, આયરલૅન્ડની નેશનલ ક્રિકેટ ટીમમાં ભાઈની પસંદગીના સમાચાર સાંભળીને અમે બધા ખુશીથી ઉછળી પડ્યા હતા. ભાઈ બાળપણમાં ખૂબ જ તોફાની હતો. ઘણી વાર તે મને ખીજવતો અને હું રડવા લાગતી, ત્યારે પપ્પા તેને વઢતા. અમે બંનેએ બાળપણમાં ખૂબ મસ્તી કરી છે. હવે તે વિદેશમાં રહે છે, તેથી હું તેને ખૂબ મિસ કરું છું.
ભાઈ સ્વીડનની ક્રિકેટ ટીમ તરફથી રમે છે
જયના કાકા કન્હૈયાલાલે જણાવ્યું કે, પરિવારમાં આ પહેલાં કોઈ પ્રોફેશનલ ક્રિકેટર નથી. ભત્રીજા જય અને મારા પુત્ર અજયને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો. તેમની પ્રતિભાને ઓળખીને પરિવારે તેમને આગળ વધવા માટે તમામ તકો આપી. જયે કોરોના કાળ પહેલાં બેંગલુરુમાં પણ ક્રિકેટની ટ્રેનિંગ લીધી હતી. જય આયરલૅન્ડ માટે રમે છે, જ્યારે તેમનો પુત્ર અજય સ્વીડનની ક્રિકેટ ટીમ તરફથી રમે છે.
ક્રિકેટ ટીમ માટે ઇન્ટેલની નોકરી છોડી
જયએ જૂની વાતો યાદ કરતા જણાવ્યું, એક સમય એવો આવ્યો જ્યારે તેણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ક્રિકેટથી અંતર બનાવી લીધું હતું. કોલેજના દિવસોમાં તે માત્ર એક શોખ તરીકે જ ક્રિકેટ રમતો હતો. ટેનિસ બોલથી મીડિયમ પેસ બોલિંગ કરતા કરતા તેણે લેધર બોલથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ ધીમે-ધીમે તેની બોલિંગની સ્પીડ વધતી ગઈ. હવે હું કલાકના 140 કિલોમીટરની ઝડપે બોલિંગ કરું છું.
2019માં કોલેજ પૂરી કર્યા પછી તેને લાગ્યું કે જો તે કોર્પોરેટ જોબ કરશે તો તેનું ક્રિકેટનું સપનું અધૂરું રહી જશે. આ કારણે, તેણે આયરલૅન્ડમાં ઇન્ટેલ કંપનીમાં મળેલી નોકરી છોડી દીધી અને પોતાનું સમગ્ર ધ્યાન ક્રિકેટ પર લગાવી દીધું હતું.
શરૂઆતમાં લોકલ ક્રિકેટ ક્લબ સાથે જોડાયો
જયે જણાવ્યું કે શરૂઆતમાં આયર્લેન્ડમાં તે ડબ્લિનની પ્રખ્યાત ક્રિકેટ ક્લબ લીનસ્ટર માટે રમતો હતો. ત્યારબાદ 2023માં તે આઇરિશ સિનિયર કપ જીતનારી ટીમનો હિસ્સો બન્યો હતો. આ અનુભવ તેના જીવનની સૌથી યાદગાર સિદ્ધિ હતો.
જયે કહ્યું, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું એ હંમેશાં મારું સપનું રહ્યું છે. મને આ તક આયરલૅન્ડ તરફથી મળી છે. ભારત સામે રમવું એ એક અલગ જ અનુભવ હતો. દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમોમાંથી એક સામે સારું પ્રદર્શન કરવું મારા માટે ખૂબ જ ખાસ હતું.
રાજસ્થાનની ટીમનો પણ હિસ્સો રહી ચૂક્યો છે
ડાબા હાથના ફાસ્ટ બોલર જય ટોંકમાં અભ્યાસ દરમિયાન ટોંક અને રાજસ્થાનની અંડર-14 ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. આ સિવાય તેણે રાજસ્થાનમાં રાજ્ય કક્ષાની અનેક ક્રિકેટ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે.