Mon Sep 07 2026

Logo

ભુજની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ: લેર ડેમને નર્મદાના નીરથી બારેમાસ ભરેલો રાખવા નવી પાઇપલાઇન નખાશે

2026-06-27 11:48:00
Author: Mumbai Samachar Team
ભુજની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ: લેર ડેમને નર્મદાના નીરથી બારેમાસ ભરેલો રાખવા નવી પાઇપલાઇન નખાશે

ભુજઃ શહેરમાં નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણના સમયે સર્જાતી પાણીની કટોકટી હવે ભૂતકાળ બનશે. રાજ્ય સરકારે ભુજવાસીઓ માટે લેર ડેમનું પાણી અનામત રાખવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ભુજ શહેરને કાયમી ધોરણે ૬૦ એમએલડી પાણીનો જથ્થો નિયમિત મળતો રહે તે માટે લેર ડેમને બારેમાસ નર્મદાના નીરથી ભરેલો રાખવાનું આયોજન હાથ ધરાયું છે. આ અંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિગતવાર માહિતી આપી હતી.

ધારાસભ્યના જણાવ્યા અનુસાર, ભુજ નગરપાલિકા હસ્તકના કુકમા હેડવર્કસથી ૪.૫૦ કિ.મી. દૂર આવેલા લેર ડેમ સુધી નર્મદાના પાણી પહોંચાડવા માટે કુકમાના ફિલ્ટર પ્લાન્ટ સુધી અલાયદી પાઇપલાઇન બિછાવવામાં આવશે. આ ઉપરાંત, સિંચાઈ વિભાગ દ્વારા આશરે રૂા. ૫ કરોડના ખર્ચે ડેમની ઊંડાઈ અને ઊંચાઈ વધારીને જળસંગ્રહ ક્ષમતા મજબૂત કરાશે, જેથી હાલની ૧.૨૪૧ મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતાવાળા આ ડેમમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે.

ભુજ શહેર ઉપરાંત ભુજ શહેરી વિકાસ સત્તામંડળ (ભાડા) અને ભાતીગળ બન્ની પ્રદેશની આગામી ૨૫ વર્ષની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવું પાઇપલાઇન નેટવર્ક તૈયાર કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતને સાનુકૂળ પ્રતિસાદ મળ્યો છે. લેર ડેમનું પાણી અનામત થવાથી ભવિષ્યમાં ભુજ અને તેની આસપાસના વિસ્તારોની જળ વિતરણ વ્યવસ્થા વધુ સુચારુ અને સક્ષમ બનશે.

(ઉત્સવ વૈદ્ય)