મુંબઈ: મીરા રોડમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં કોઈ પણ અકસ્માત વિના અચાનક ખૂલી ગયેલી ઍરબૅગને કારણે યુવાનનો જીવ ગયો હતો. કાશીમીરા પોલીસના જણાવ્યા મુજબ બુધવારે બનેલી ઘટનામાં મોહિત સોની (25)નું મૃત્યુ થયું હતું. મીરા રોડના પ્લેઝન્ટ પાર્ક નજીક રસ્તાને કિનારે ઊભેલી કારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસનો અંદાજ છે કે સોની કાર સ્ટાર્ટ કરવા ગયો ત્યારે જ આ ઘટના બની હશે. સ્ટિયરિંગ વ્હીલની ઍરબૅગ પરનું પ્લાસ્ટિકનું આવરણ જોશભેર ઊડ્યું હશે, જે મોહિતના ગળા પર જમણી તરફ વાગ્યું હશે. વળી, ઍરબૅગને કારણે તે ફસાઈ ગયો હશે. વધુપડતા રક્તસ્રાવને કારણે તેનું મૃત્યુ થયું હોવાનુ માનવામાં આવે છે.
કારમાં ટેક્નિકલ ખામીની તપાસ પોલીસ કરી રહી છે. કારનું નિરીક્ષણ કરવામાં આવતાં તેે કોઈ વાહન સાથે અથડાઈ હોવાનાં નિશાન દેખાયાં નહોતાં. એ સિવાય હાલમાં જ કારને કોઈ નુકસાનનો પણ અંદાજ આવતો નથી. વાહન 15 વર્ષ જૂનું હોવા છતાં તેનું ફિટનેસ સર્ટિફિકેટ પ્રમાણિત હતું.
પોલીસનું માનવું છે કે કાર એક જ જગ્યા પર ખાસ્સા સમયથી ઊભી હતી અને મોહિત પર કોઈનું તરત ધ્યાન ગયું નહીં હોય. સારવારમાં વિલંબને કારણે મોહિતનું મૃત્યુ થયું હશે. એક રાહદારીની નજર પડ્યા પછી તેને પંડિત ભીમસેન જોશી સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. લોહીના નમૂના લેવા અને કારની અંદરથી તપાસ માટે ફોરેન્સિક ટીમની મદદ લેવાઈ છે.