Sat Sep 12 2026

Logo

બળાત્કારનો બદલો લેવા મિત્રની કરપીણ હત્યા કરનારો 21 વર્ષે યુપીમાં પકડાયો

2026-06-26 17:35:00
Author: Yogesh C. Patel
બળાત્કારનો બદલો લેવા મિત્રની કરપીણ હત્યા કરનારો 21 વર્ષે યુપીમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બળાત્કારનો બદલો લેવા માટે મિત્રની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે છેક 21 વર્ષે ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો.
વસઈ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ અવિરાજ કુરાડેની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ રાજેશ સુરેશ સોનકર (41) તરીકે થઈ હતી. તેને યુપીના પ્રયાગરાજમાં તળોંગજ મનોરી ખાતેથી ગુરુવારે તાબામાં લેવાયો હતો.

ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મદન બલ્લાળે જણાવ્યું હતું કે વિરાર પોલીસને 27 ડિસેમ્બર, 2005ના ભાટીબંદર ગામની હદમાં ખાડીકિનારેથી દિલીપ તુકારામ ચવ્હાણ (30)નો મૃતદેહ મળી આવ્યો હતો. માથામાં ભારે વસ્તુ ફટકારીને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ મૃતદેહને ખાડીમાં ફેંકવામાં આવ્યો હોવાની ફરિયાદ ચવ્હાણના પિતરાઈ રત્નાકરે નોંધાવી હતી.

હત્યા બાદ ફરાર થઈ ગયેલો શકમંદ સોનકર 21 વર્ષથી પોલીસને હાથ લાગ્યો નહોતો. આખરે ક્રાઈમ બ્રાન્ચે હાલમાં જ નવેસરથી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ આસપાસના પરિસરના રહેવાસીઓની પોલીસે પૂછપરછ કરતાં હત્યા સોનકરે કરી હોવાની ખાતરી થઈ હતી. સોનકર યુપીના પ્રયાગરાજમાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી.
માહિતીને આધારે પોલીસની ટીમે યુપી પહોંચી આરોપીને ઓળખી કાઢ્યો હતો.

તાબામાં લેવાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે તેની પત્ની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કુકર્મ કરનારાને મૃતક ચવ્હાણે મદદ કરી હતી. આ વાતનો રોષ મનમાં ધરબી આરોપીએ ચવ્હાણની હત્યા કરી હતી. હત્યા બાદ તે લખનઊ ગયો હતો. ત્યાં પાંચથી છ વર્ષ રહ્યા પછી તે પ્રયાગરાજમાં સંતાયો હતો. છેલ્લાં 15 વર્ષથી તે પ્રયાગરાજમાં ઈ-રિક્ષા ચલાવી ગુજરાન કરતો હતો.