ભુજઃ મેઘતૃષ્ણાનાં મુલક સમાન રણપ્રદેશ કચ્છમાં પ્રવર્તમાન રહેલા અસહ્ય ગરમી અને બફારાના અકળાવનારા માહોલ વચ્ચે લાંબી પ્રતીક્ષા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. આર્દ્રા નક્ષત્રના આરંભ સાથે જ રાપર અને નખત્રાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતાં જનજીવને રાહતનો શ્વાસ લીધો છે.
રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે વાતાવરણ પલટાયું હતું. વેગીલો પવન ફૂંકાયા બાદ શરૂ થયેલા વરસાદથી રાપર શહેરના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. આ ઉપરાંત તાલુકાના ત્રંબૌ, વજેપર, કલ્યાણપર અને ગેડી સહિતના ગામોમાં પણ ઉકળાટ વચ્ચે વરસાદી એન્ટ્રી થઈ હતી. જો કે, કેટલાક વિસ્તારોમાં માત્ર સીમ-પાદર પૂરતો જ વરસાદ પડતાં ગામ કોરાધાકોર રહ્યા હોવાના અહેવાલ પણ મળ્યા છે.
ચોમાસાની ઋતુના પ્રથમ અને પવિત્ર ગણાતા ‘આર્દ્રા’ નક્ષત્રના બેસતાની સાથે જ નખત્રાણા તાલુકાના માકપટ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. તાલુકાના મોટી વિરાણી, સુખપર વાંઢ, કલરાઇ અને પખડા વિસ્તારમાં મોડી રાત્રે પડેલા વરસાદી ઝાપટાંથી માર્ગો પર પાણી વહી ગયા હતા. અનુભવીઓના મતે ભીમ અગિયારસ અને આર્દ્રા નક્ષત્રમાં મેઘરાજાની આ હાજરી આગામી દિવસોમાં સારા ચોમાસાના સંકેત આપે છે.
બીજી તરફ, જિલ્લા મથક ભુજ સહિતના અન્ય વિસ્તારોમાં ભારે ગરમી અને ઉકળાટનો પ્રકોપ યથાવત રહ્યો હતો. ભુજમાં મહત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી, જ્યારે અંજાર અને ગાંધીધામમાં ૩૯.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર દિવસ સુધી મોટા વરસાદની કોઈ શક્યતા નથી અને કચ્છમાં સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે.
(ઉત્સવ વૈદ્ય)