Sat Jun 27 2026

Logo

અમદાવાદ-રાજકોટ પર મોટા ભૂકંપનો ખતરો, અભ્યાસમાં શું કરાયા ચોંકાવનારા દાવા

2026-06-27 12:30:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદમાં 2001ના ભૂકંપ પછી, દરેક નવી ઇમારત ભૂકંપ-પ્રતિરોધક  માપદંડોને પૂર્ણ કરે તે રીતે અધિકૃત સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા ડિઝાઇન કરવી ફરજિયાત છે

અમદાવાદઃ વેનેઝુએલામાં ગુરુવારે આવેલા ભૂકંપમાં 900થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ ભૂકંપે ગુજરાતમાં આવેલા 2001ના ભૂકંપની યાદો તાજી કરાવી હતી. આજે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતા નોંધાઈ હતી અને કેન્દ્ર બિંદુ ડેરા ગાઝી ખાન પાસે જમીનથી 75 કિલોમીટર નીચે નોંધાયું હતું. એક અભ્યાસ મુજબ, અમદાવાદ-રાજકોટ પર મોટા ભૂકંપનો ખતરો હોવાનો અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો.

કચ્છ હજી પણ સૌથી વધુ ભૂકંપ સંભવિત ઝોન

એક રિપોર્ટ મુજબ,  ગુજરાત મોટા ભૂકંપોના જોખમવાળા વિસ્તારમાં આવેલું છે. તાજેતરના અભ્યાસમાં રાજ્યના વિવિધ વિસ્તારો માટે ભૂકંપના જોખમનું નવું આકલન કરવામાં આવ્યું હતું. જે અનુસાર, કચ્છ હજી પણ સૌથી વધુ ભૂકંપ સંભવિત ઝોન છે, પરંતુ અમદાવાદ અને રાજકોટ જેવા શહેરો પણ અલગ-અલગ કારણોસર જોખમમાં છે.

શું છે અભ્યાસનો મુખ્ય હેતુ

રિપોર્ટમાં વેનેઝુએલાના ભૂકંપમાંથી મળેલા પાઠ પણ શેર કર્યા હતા અને બિલ્ડિંગ કોડ્સના આધારે ભૂકંપ સામે ઇમારતોની મજબૂતીની તપાસ કરવાની તેમજ ઇવેક્યુએશન માટે નિયમિત તાલીમ આપવાની હિમાયત કરી છે. અહેવાલ મુજબ અભ્યાસનો મુખ્ય હેતુ  
પ્રોબેબિલિસ્ટિક સેઇસ્મિક હેઝાર્ડ એસેસમેન્ટ (PSHA) એટલે કે ભૂકંપના સંભવિત જોખમનું અનુમાન લગાવવાનો હતો. 

કેટલા ભૂકંપના રેકોર્ડનો ઉપયોગ અભ્યાસમાં કરાયો

છેલ્લા 350 વર્ષમાં આવેલા તમામ 1288 ભૂકંપોના રેકોર્ડનો ઉપયોગ કરીને, લેખકોએ જમીનની ધ્રુજારી અમુક ચોક્કસ સ્તરે પહોંચવાની 2 ટકા અને 10 ટકા સંભાવનાની ગણતરી કરી છે. આ ધ્રુજારીને પીક ગ્રાઉન્ડ એક્સિલરેશન (PGA) તરીકે માપવામાં આવે છે, જે જમીન કેટલી તીવ્રતાથી ધ્રુજે છે તેનો પ્રમાણભૂત માપદંડ છે. ઉદાહરણ તરીકે, જો કોઈ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્ર કચ્છમાં હોય, તો કચ્છના અમુક ભાગોમાં બેડરોક સ્તરે PGA 0.51 g (પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ) અને જમીનની સપાટી પર 0.57  g સુધી હોઈ શકે છે.

આ આંકડાને સરળ ભાષામાં સમજીએ તો, 2001ના ભૂકંપમાં જિલ્લાના જુદા-જુદા ભાગોમાં PGA 0.3 થી 0.6 ની વચ્ચે હતું, જેના કારણે વ્યાપક વિનાશ થયો હતો.  ભૂકંપના સ્કેલ પર આધારિત પરંપરાગત નકશાની તુલનામાં, PSHA પદ્ધતિ જમીનની સંભવિત ધ્રુજારીની વધુ સચોટ માહિતી આપે છે. 

અભ્યાસ મુજબ, ગુજરાત વિશ્વના સૌથી વધુ ભૂકંપ સંભવિત ક્ષેત્રોમાંનો એક છે. આ ડેટા બિલ્ડિંગ કોડ્સની સમીક્ષા કરવા અને ડિઝાસ્ટર રિસ્પોન્સની તૈયારીઓમાં મદદરૂપ બને છે. રાજ્યમાં બે સદી કરતાં પણ ઓછા સમયમાં 7.7 ની તીવ્રતાના બે મોટા ભૂકંપ આવી ચૂક્યા છે, અને બંનેનું કેન્દ્રબિંદુ કચ્છ જ હતું.

રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદે 2001માં મોટો વિનાશ અને જાનમાલનું નુકસાન જોયું હતું, ત્યાં અંદાજિત PGA 0.05 g થી 0.08 g નોંધાયું છે. ગાંધીનગરમાં પણ આવા જ મૂલ્યો છે. જો કે, આ નીચા મૂલ્યો જોખમને આપોઆપ ઓછું કરતા નથી. નરમ કાંપવાળી જમીન  પર આવેલા શહેરી વિસ્તારોમાં બેડરોકના અંદાજ કરતાં વધુ જોખમ હોઈ શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું કે, 2001ના ભૂકંપ પછી, દરેક નવી ઇમારત ભૂકંપ-પ્રતિરોધક  માપદંડોને પૂર્ણ કરે તે રીતે અધિકૃત સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા ડિઝાઇન કરવી ફરજિયાત છે. ચોમાસા પહેલાં જૂની ઇમારતોનું સ્ટ્રક્ચરલ આકલન,   કરવું જરૂરી છે.

ગુજરાતનો નવો ભૂકંપનીય નકશો શું દર્શાવે છે?

* અગાઉના આકલનો જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોને એક જ સેઇસ્મિક યુનિટ (ભૂકંપનીય એકમ) તરીકે ગણવામાં આવતા હતા, તેનાથી વિપરીત સંશોધકોએ હવે રાજ્યને સાત અલગ-અલગ સેઇસ્મોજેનિક ઝોન (ભૂકંપ પ્રેરક વિસ્તારો) માં વિભાજિત કર્યું છે.
* આ સાત ઝોન કચ્છ રિફ્ટ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન, ખંભાત રિફ્ટ ઝોન, નર્મદા રિફ્ટ ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન, ઇન્ડસ ડેલ્ટા (સિંધુ મુખત્રિકોણ) ઝોન અને અરવલ્લી ઝોન છે.
* આ નકશામાં 'કચ્છ રિફ્ટ ઝોન' ભૂકંપ માટે સૌથી વધુ સક્રિય સ્ત્રોત તરીકે ઉભરી આવ્યો છે.
* ખંભાત અને નર્મદા રિફ્ટ સિસ્ટમમાં મધ્યમ સ્તરની ભૂકંપનીય પ્રવૃત્તિ જોવા મળી હતી, જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વારંવાર આવતા ભૂકંપના આંચકા અને મધ્યમ તીવ્રતાના ભૂકંપ જોવા મળ્યા હતા.
* ભુજમાં મધ્યમ અંતરેથી આવતા મધ્યમથી મોટા કદના 6.0  થી 6.5ની તીવ્રતાના ભૂકંપનો પ્રભાવ વધુ રહે છે.
* રાજકોટમાં ભૂકંપનું જોખમ મુખ્યત્વે પ્રાદેશિક કચ્છ-સૌરાષ્ટ્ર ટેક્ટોનિક સ્ત્રોતો સાથે જોડાયેલી દૂરની મોટી ઘટનાઓ  દ્વારા નક્કી થાય છે.
* આનાથી વિપરીત, અમદાવાદનું જોખમ સ્થાનિક અને ખંભાત ની ફોલ્ટ લાઈનો  સાથે જોડાયેલા નજીકના મધ્યમ ભૂકંપો દ્વારા નિયંત્રિત થાય છે, જે તેને સ્થાનિક જમીનની સ્થિતિ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે.