Tue Aug 25 2026

Logo

સુરતમાં બેફામ ડમ્પરે માતા-પુત્રીનો ભોગ લીધો, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

2026-06-27 12:51:00
Author: Mayur Patel
સુરતમાં બેફામ ડમ્પરે માતા-પુત્રીનો ભોગ લીધો, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

સુરતઃ શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. ભેસ્તાન વિસ્તારમાં ડમ્પર ચાલકે મોપેડ લઈને જતા માતા-દીકરીને ટક્કર મારીને કચડી નાખ્યા હતા. અકસ્માત બાદ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.

કેવી રીતે બની ઘટના

ભેસ્તાન વિસ્તારમાં રહેતા રુકશાન ઈમરાન સૈયદ (ઉ.વ.22) મોટર સાયકલ લઈને તેમની 3 વર્ષની પુત્રી સાથે ડીંડોલી જતા હતા. આ સમયે ડમ્પર ચાલકે ટક્કર મારતાં બંને નીચે કચડાઈ હતા અને સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક દોડી આવી હતી. ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલાના પતિ અને પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતાં માહોલ ગમગીન થઈ ગયો હતો.  

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સુરતમાં પાસોદરામાં રત્નકલાકારે બાઈક પરથી કાબૂ ગુમાવ્યા બાદ ટ્રક નીચે આવી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં રત્નકલાકારનું માથું કચડાઈ ગયું હતું અને કમકમાટીભર્યું મોત થયું હતું.

થોડા દિવસ પહેલા અમદાવાદના દસક્રોઈ તાલુકાના ભાત ગામની સીમમાં આવેલા ધોળકા-સરખેજ રોડ પર ડમ્પરની ટક્કરે બાઇક ચાલક યુવાનનું કરુણ મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. રાજકોટ-ચોટીલા હાઈવે પર પણ ડમ્પરની ટક્કરથી એકનું મોત થયું હતું. વાંકાનેર નેશનલ હાઈવે પર ભલગામ નજીક . રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું.