નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરના મોટા ભાઈ શાહિદ અખ્તરના અવસાન બાદ તેમના જનાજા (અંતિમ સંસ્કાર)ને લઈને હવે એક નવો વિવાદ સામે આવી રહ્યો છે. શાહિદ અખ્તરના અવસાન બાદ ઇસ્લામાબાદના H-8 કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા હતા. તેમના જનાજામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં રમતગમત અને રાજકારણ સાથે જોડાયેલી હસ્તીઓ પણ હાજર હતી. આ દરમિયાનની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં કંઈક એવું જોવા મળ્યું છે જે અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે, આ તસવીરોમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'લશ્કર-એ-તૈયબા' સાથે જોડાયેલા નેતાઓ જોવા મળ્યા છે, જેના લીધે ખળભળાટ મચી ગયો છે.
હાફિઝ સઈદના નજીકના લોકો સામેલ હતા
શોએબ અખ્તરના ભાઈ શાહિદ અખ્તરના જનાજામાં લશ્કર-એ-તૈયબા (LeT)ના રાજકીય પક્ષ સાથે જોડાયેલા નેતાઓની હાજરી જોવા મળી હતી. જેમાં આતંકવાદી હાફિઝ સઈદના ઘણા નજીકના લોકો પણ આ જનાજામાં સામેલ થયા હતા. PMML ઇસ્લામાબાદના પ્રમુખ ઇનામ-ઉર-રહેમાન કમ્બોહ આ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હોવાની તસવીરો સામે આવી છે. આ તસવીરો અને વીડિયો લશ્કર-એ-તૈયબા અને PMML દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. શાહિદ અખ્તરના જનાજાની નમાજ વખતે પાકિસ્તાન સેન્ટ્રલ મુસ્લિમ લીગ ઇસ્લામાબાદના પ્રમુખ ઇનામ-ઉર-રહેમાન કમ્બોહ, ડેપ્યુટી સેક્રેટરી જનરલ અબ્દુલ્લા તૂર, ઝોનલ સેક્રેટરી જનરલ હાફિઝ ઉમર, ખિદમત કમિટીના પ્રમુખ અમજદ ભટ્ટી અને અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
કોણ કોણ હતા સામેલ?
શોએબ અખ્તરના ભાઈના જનાજામાં ઇનામ-ઉર-રહેમાન કમ્બોહ જોવા મળ્યો હતો. તે ઇસ્લામાબાદમાં આ સંગઠનનો મોટો ચહેરો છે. તેની સાથે જનાજામાં સામેલ થયેલા અન્ય કેટલાક લોકો પણ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે, PMML પક્ષ આતંકવાદી હાફિઝ સઈદના સમર્થનથી બનેલો પક્ષ માનવામાં આવે છે. કારણ કે તેના સંગઠન લશ્કર-એ-તૈયબા પર આંતરરાષ્ટ્રીય સ્તરે સતત પ્રતિબંધો લદાયેલા છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનના રાજકારણમાં સક્રિય રહેવા માટે હાફિઝ સઈદના સમર્થનથી PMML પક્ષની રચના કરવામાં આવી હતી. પરંતુ આ પક્ષ સાથે જોડાયેલા લોકો જ્યારે શોએબ અખ્તરના ભાઈના જનાજામાં પહોંચ્યા, ત્યારે સવાલો ઉઠવા સ્વાભાવિક છે.