Sun Sep 06 2026

Logo

ભારત આવશે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવી તારીખ

2026-06-27 11:54:00
Author: Mumbai Samachar Team
ભારત આવશે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવી તારીખ

વોશિંગ્ટનઃ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યુહાત્મક (સ્ટ્રેટેજિક) અને વ્યાપારિક સંબંધો એક નવા સુવર્ણ યુગમાં પ્રવેશવા જઈ રહ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાત લેશે. રુબિયોએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતે આ ઐતિહાસિક વીવીઆઈપી (VVIP) મુલાકાતની તૈયારીઓને આખરી ઓપ આપવા અને બંને દેશો વચ્ચે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે ટ્રેડ ડીલ (વ્યાપાર કરાર)ને વહેલી તકે ફાઇનલ કરવા માટે ભારત આવી રહ્યા છે.

રુબિયોએ કહ્યું- આ વર્ષના અંતમાં તેઓ પણ ભારતની મુલાકાત લેશે

વ્હાઇટ હાઉસમાં ન્યૂઝ એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યુમાં રુબિયોએ કહ્યું કે, "હું વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાતની તૈયારીઓના ભાગરૂપે ભારતની યાત્રા કરીશ." ભારત-અમેરિકાના સંબંધો અંગે રુબિયોએ જણાવ્યું કે બંને દેશોના સંબંધો મજબૂત સ્થિતિમાં છે અને G7 શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે થયેલી તાજેતરની મુલાકાત બાદ ભારત-અમેરિકાના સંબંધોમાં સુધારો થયો છે.

આ મુલાકાત અંગે રુબિયોએ કહ્યું કે, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના ગાઢ વ્યક્તિગત સંબંધો બંને દેશોના મજબૂત સંબંધોનો સૌથી મોટો પાયો છે. તેમણે કહ્યું કે તેઓ પોતે પણ પીએમ મોદીના મોટા પ્રશંસક છે, કારણ કે તેમના નેતૃત્વમાં ભારત એક ગ્લોબલ પાવર (વૈશ્વિક તાકાત) તરીકે ઉભરી આવ્યું છે. બંને દેશો વચ્ચેની આ ભાગીદારી આવનારા સમયમાં અસીમ સંભાવનાઓને આંબવા જઈ રહી છે.

ક્રૂડ ઓઈલ સપ્લાય અને વિઝા પર મહત્વની વાત

ભારતના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારત દુનિયાના એવા ગણતરીના દેશોમાં સામેલ છે, જે હેવી ક્રૂડ ઓઈલને રિફાઈન કરવાની ક્ષમતા ધરાવે છે. હાલના સમયમાં ભારત, અમેરિકા અને વેનેઝુએલા પરસ્પર મળીને ક્રૂડ ઓઈલની સપ્લાય વધારવા માટે ખૂબ જ નજીકથી કામ કરી રહ્યા છે. આ સાથે જ અમેરિકાની વિઝા સિસ્ટમમાં થનારા ફેરફારો અંગે પણ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે કે આ ફેરફારોનું નિશાન ભારત બિલકુલ નથી.

અમેરિકાના રાજદૂતે પણ આપ્યા મહત્વના સંકેત

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા કુદરતી ભાગીદાર (નેચરલ પાર્ટનર્સ) છે અને બંને દેશોના સંબંધોમાં અપાર સંભાવનાઓ રહેલી છે. તેમણે માહિતી આપી હતી કે વ્યાપાર કરાર (ટ્રેડ ડીલ) પર ચાલી રહેલી વાતચીત હવે અંતિમ તબક્કામાં છે.