ગામમાં અલગ-અલગ જગ્યાએથી ગૌવંશના અંગો મળ્યા, પોલીસ કાફલો તૈનાત
કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના રામવાવ ગામમાં પ્રખ્યાત રામ મંદિર નજીકથી એક ગૌવંશનું ધારદાર હથિયાર વડે કપાયેલું મસ્તક મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને રોષ વ્યાપી ગયો છે. ઘટનાની ગંભીરતાને જોતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને હિન્દુ સંગઠનોના અગ્રણીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત બપોર (26 જૂન) ના સમયે મંદિર પાસે ગૌવંશનું મસ્તક દેખાતા જ જીવદયાપ્રેમીઓ એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી સાગર સાંબળા અને રાપર પીઆઈ આર.એલ. ખટાણા સહિતનો પોલીસ કાફલો, તેમજ ગૌસેવકો અને સામાજિક આગેવાનો રામવાવ ખાતે પહોંચ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતાં જુદી-જુદી જગ્યાએથી ગૌવંશના કપાયેલા ત્રણ પગ પણ મળી આવ્યા હતા.
ગામનો માહોલ ન બગડે તે માટે પોલીસે તકેદારીના પગલાં ભરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પશુ ચિકિત્સકની ઉપસ્થિતિમાં ઘટનાસ્થળનું પંચનામું કરી ગૌવંશના અંગોને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. રાપર પીઆઈના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ અને એફએસએલના અહેવાલ આવ્યા બાદ આ હીન કૃત્ય અંગે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી હતી. વાછરડાના બાકીના અંગોની પણ શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
ઉત્સવ વૈદ્ય