અમદાવાદ-નવી દિલ્હીઃ હવામાન વિભાગ પ્રમાણે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારમાં વરસાદની ગતિવિધિ તેજ બની શકે છે. આ વિસ્તારોમાં સતતત વાદળો બંધાઈ રહ્યા છે અને ભેજનું વધતું પ્રમાણ ચોમાસાની ગતિને મજબૂત કરી રહ્યા છે.
આ દરમિયાન દેશમાં કેટલાક રાજ્યોમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે નવું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે ગુજરાત, દિલ્હી, સહિત 13 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. આ દરમિયાન કેટલાક રાજ્યોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને ક્યાંક કરા પણ પડી શકે છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 10 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં વલસાડના ઉમરગાવમાં 0.47 ઇંચ, કચ્છના રાપરામાં 0.47 ઇંચ, વલસાડના વાપીમાં 0.35 ઇંચ, જૂનાગઢના ભેંસાણમાં 0.35 ઇંચ, મહિસાગરના ગોધરમાં 0.31 ઇંચ, વલસાડમાં 0.28 ઇંચ, નર્મદાના સાગબારામાં 0.16 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 0.08 ઇંચ તથા વાવ-થરાદના દીયોદરમાં 0.08 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, 27 જૂનથી 28 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. 28 જૂનથી 2 જુલાઈના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદી માહોલ વ્યાપક જામશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહિસાગર અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ હળવોથી મધ્યમ વરસાદ યથાવત રહેશે.
દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
હવામાન ખાતા દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આ દરમિયાન 80 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન ખાતા પ્રમાણે, ઉત્તર અને મધ્ય ભારતમાં સાયક્લોનિક સર્કુલેશનના કારણે કેટલાક રાજ્યોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, જ્યારે ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. આ સ્થિતિ આગામી થોડા દિવસો સુધી રહી શકે છે અને ચોમાસાનું આગળ વધી શકે છે. તેલંગાણા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં મોસમનો અલગ જ મિજાજ જોવા મળી શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિત દેશના અનેક વિસ્તારમાં ધૂળ ભરી આંધી અને ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે. અચાનક મોસમ બદલાવાના કારણે વિઝિબિલિટી ઘટી શકે છે, જેનાથી વાહનવ્યવહાર પર અસર પડવાની સંભાવના છે.