Sat Jun 27 2026

Logo

જાંબુડી પંથકમાં સેંકડો માછલીઓનાં મોત પાછળ 'સુપર અલ નીનો' અને વધતા તાપમાનની આશંકા

2026-06-27 12:07:00
Author: Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: તાલુકાના જાંબુડી ગામના છછલા તળાવ સહિત આસપાસના જળાશયોમાં સેંકડો માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. મૃત માછલીઓમાંથી ફેલાતી તીવ્ર દુર્ગંધને કારણે સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય પણ સતાવી રહ્યો છે.

સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, માત્ર છછલા તળાવ જ નહીં, પરંતુ રામ તળાવડી, કાલિકાવારો ડેમ અને ભૂખી નદી સહિત સમગ્ર પંથકના જળાશયોમાં માછલીઓના સામૂહિક મોતના બનાવો સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતાને પગલે જાંબુડી ગામના ઉપસરપંચ રઘુભા જાડેજા, કોટડા (આથમણા)ના સરપંચ મનસુખ માકાણી તથા સામાજિક અગ્રણીઓએ સ્થળની મુલાકાત લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

'પર્યાવરણ અને જીવ વિજ્ઞાનના નિષ્ણાતોના મતે, આ સામૂહિક મોત પાછળ વૈશ્વિક હવામાનમાં આવેલા બદલાવ અને સુપર અલ નીનો ઇફેક્ટ મુખ્ય કારણ હોઈ શકે છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ નથી. પરિણામે, કાળઝાળ ગરમીમાં જળાશયોનું તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ અત્યંત ઘટી ગયું છે. આ સિવાય પ્રદૂષણ અથવા શેવાળનું અતિશય પ્રમાણ પણ આ રૂપકડાં જીવોના મોત પાછળ જવાબદાર હોઈ શકે છે.

સ્થાનિકોએ જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તાત્કાલિક સ્થળ તપાસ કરી માછલીઓના મોતનું સાચું કારણ શોધવા વોટર સેમ્પલ લેવા અને ભવિષ્યમાં આવી આપત્તિ અટકાવવા કડક પગલાં લેવા માંગ કરી છે.