છેલ્લે પત્ની અને માતાને આત્મહત્યા કરતો હોવાનું ફોન પર કહ્યું: બેકારી અને માંદગીથી કંટાળીને જીવન ટૂંકાવ્યાની શંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કચ્છના વતની અને હાલમાં થાણે જિલ્લાના દીવા નજીક રહેતા ગુજરાતી યુવાને રત્નાગિરિના ચિપલૂણમાં બ્રિજ પરથી વાશિષ્ઠી નદીમાં ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. બેકારી અને માંદગીથી કંટાળીને યુવાને જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રથમદર્શી પોલીસને જણાઈ રહ્યું છે. સસરાને લેવા ચિપલૂણ ગયેલા યુવાને છેલ્લે પત્ની અને પછી માતાને આત્મહત્યા કરતો હોવાની ફોન પર જાણ કરી હતી.
ચિપલૂણ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી સંતોષ શિંદેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મૃતકની ઓળખ મિથિલ અશોક શાહ (30) તરીકે થઈ હતી. શાહનો પરિવાર મૂળ કચ્છનો વતની હતો, પરંતુ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયો હતો. પ્રેમલગ્ન પછી શાહ પત્ની માહી સાથે દીવામાં રહેતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ સસરાને દીવા લઈ આવવા માટે શાહ રવિવારે મત્સગંધા એક્સપ્રેસથી ચિપલૂણ ગયો હતો. ત્યાં શાહ કોને કોને મળ્યો તેની તપાસ પોલીસ કરી છે, પણ મંગળવારની રાતે ગાંધારેશ્ર્વર પુલ પર ગયા પછી તેણે નદીમાં કૂદકો માર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે માછીમારોની મદદથી તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી.
ગુરુવારની સવારે નવ વાગ્યાની આસપાસ પેઠમાપ પરિસરમાંના ફરશી તિઠા પુલ નજીક નદીને કિનારે એક વ્યક્તિનો મૃતદેહ ગામવાસીને નજરે પડ્યો હતો. તપાસમાં મૃતદેહ શાહનો હોવાની ખાતરી થઈ હતી. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને કામથે ઉપજિલ્લા હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. આ પ્રકરણે ચિપલૂણ પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારની રાતે 9.30 વાગ્યે શાહે પત્ની સાથે ફોન પર વાત કરી હતી અને પોતે નદીમાં કૂદીને આત્મહત્યા કરી રહ્યો હોવાનું કહ્યું હતું. ડરી ગયેલી પત્નીએ શાહની માતાને આ અંગે જાણ કરી હતી. માતાએ 10 વાગ્યાની આસપાસ દીકરા સાથે છેલ્લી વાત કરી હતી. માતાને પણ શાહે અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું કહ્યું હતું.
શાહની પત્ની અને માતા ચિપલૂણ પહોંચી હતી. પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અગાઉ પણ શાહે જીવન ટૂંકાવવાની ચીમકી આપી હતી. છેલ્લા કેટલાક સમયથી તેની પાસે કામ નહોતું, જેને પગલે તેને દારૂ પીવાની આદત લાગી હતી. વળી, માંદગીને કારણે પણ તે કંટાળ્યો હતો. શાહનો મોબાઈલ ફોન અને ચાર્જર પુલ પરથી મળી આવ્યા હતા.