(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: અત્યંત વ્યસ્ત ગણાતા મુંબઈ-નાશિક રોડ પર થાણેના તીન હાથ નાકા સિગ્નલ નજીક રવિવારે બપોરે રસ્તો ધસી પડ્યો હતો, તેને કારણે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકને અસર થઈ હતી. ત્રણ દિવસની રજા હોવાથી મોટી સંખ્યામાં બહારગામ ગયેલા લોકો મુંબઈ પાછા ફરી રહ્યા હોઈ રસ્તા પર પહેલાથી ભારે ટ્રાફિકની સમસ્યા હતી, તેમાં ઓછું હોય તેમ રવિવારે બપોરના લગભગ ૧૨.૩૦ વાગ્યાની આસપાસ થાણે પશ્ર્ચિમમાં તીન હાથ નાકા સિગ્નલ પાસે મેટ્રો કોરિડોર માટે પીલર બાંધવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે રસ્તો ધસી પડવાની દુર્ઘટના બની હતી.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ રસ્તો ધસી પડવાને કારણે એ વિસ્તારને તરત બેરીકેડસથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ, થાણે પાલિકા, પોલીસ સહિત મેટ્રોના અધિકારીઓ પહોંચી ગયા હતા. તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. સદ્નસીબે રસ્તો ધસી પડવાની દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
આ દરમ્યાન ભરચક ટ્રાફિકવાળા વિસ્તાર ગણાતા તીનહાથ નાકા પાસે ટ્રાફિક પોલીસે તાત્કાલિક ધોરણે ટ્રાફિકને ડાઈવર્ટ કર્યો હતો અને થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક જૅમ પણ થઈ ગયો હતો. આ અગાઉ શનિવારે પણ થાણે પશ્ર્ચિમમાં માજિવાડામાં ભારત પેટ્રોલ પંપ સામે ઘોડબંદર તરફ જતો રસ્તો ધસી પડયો હતો. અહીં રસ્તા પર થાણે પાલિકાના પાણીપુરવઠા વિભાગ તરફથી પાણીની લાઈનનું કામ કરવામાં આવી રહ્યું હતું અને કામ પૂરું થયા બાદ રસ્તો સમથળ કરવામાં આવ્યો હતો, તે જ રસ્તો ધસી પડયો હોવાનું થાણે પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.