Fri Sep 11 2026

Logo

શેરબજારમાં નુકસાનને લઇ શખસની મારઝૂડ કરી બૅંક ખાતાંમાંથી રૂપિયા ટ્રાન્સફર કરવા ફરજ પાડી

2026-06-04 17:54:00
Author: Yogesh D. Patel
શેરબજારમાં નુકસાનને લઇ શખસની મારઝૂડ કરી બૅંક ખાતાંમાંથી રૂપિયા ટ્રાન્સફર કરવા ફરજ પાડી

થાણે: થાણે જિલ્લામાં શેરબજારમાં નુકસાનને લઇ 41 વર્ષના શખસની મારઝૂડ કરીને તેને બૅંક ખાતાંમાંથી 47.25 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા ફરજ પાડવા બદલ ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

કલ્યાણના પોલીસ ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) મારુતિ આંડળેએ જણાવ્યું હતું કે આરોપીઓ રોકાણકારો પાસેથી રૂપિયા લઇને ફરિયાદી મારફત શેરબજારમાં રોકાણ કરનારા વચેટિયા હતા. 

જાન્યુઆરી, 2024થી એપ્રિલ, 2026 દરમિયાન તેમના ગ્રાહકોને થયેલા નુકસાન માટે ફરિયાદીને આરોપીઓએ જવાબદાર ઠેરવ્યો હતો.

ફરિયાદી વિનયકાંત રઘુનાથ સિંહે આક્ષેપ કર્યો હતો કે આરોપીઓ તેને કલ્યાણના નિવાસસ્થાનેથી બળજબરીથી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં લઇ ગયા હતા, જ્યાં તેની મારઝૂડ કરવામાં આવી હતી અને તેનો ફ્લેટ ગિરવે મૂકવા માટે દબાણ કર્યું હતું, એમ ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓએ ફરિયાદીને તેના અને તેના ગ્રાહકો સાથે કડી ધરાવતા બૅંક ખાતાંમાથી 47.25 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી.

ખડકપાડા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું.

(પીટીઆઇ)