(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસું નજીક છે ત્યારે થાણે શહેરમાં આખરે નાળાસફાઈના કામનો શુભારંભ મેયરના હસ્તે કરવામાં આવ્યો હતો. મે અંત સુધીમાં થાણે મહાનગરપાલિકાની હદમાં આવેલા નાળાઓની સફાઈનું કામ પૂરુંં કરવાની ડેડલાઈન રહેશે.મુંબઈમાં આ વખતે નાળાસફાઈનું કામ શરૂ કરવામાં વિલંબ થયો છે ત્યારે થાણેમાં પણ એપ્રિલ મહિનાનો શરૂ થયા બાદ છેક ૧૦ એપ્રિલથી નાળાસફાઈનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એ દરમ્યાન મે મહિનાના અંત સુધીમાં નાળાસફાઈનું કામ પૂરું કરી નાખવાની સૂચના અધિકારીઓને આપવામાં આપી હતી.

નાળાની સફાઈ બાદ તેમાંથી કાઢવામાં આવતો કચરો સૂકાઈ જાય એ સાથે જ તેનો નિકાલ ડમ્પિંગમાં કરવાનો રહેશે. તેમ જ દરેક વોર્ડમાં નાળાસફાઈના કામ પર નજર રાખવા માટે સેનિટરી ઈન્સ્પેકટર રહેશે. આ સમય દરમ્યાના નાગરિકોને પણ ખુલ્લા રહેલા નાળામાં કચરો નહીં ફેકવાની અપીલ થાણે પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી.