ગાંધીનગર: ગુજરાતના રાહત કમિશનર ગૌરવ મકવાણાએ રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિમાં તંત્રની સજ્જતા અંગે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના દક્ષિણ ભાગમાં અને ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લાઓમાં ગઈકાલથી રેડ એલર્ટ હતું અને ગઈકાલ રાતથી ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે.
ઉમરગામ તાલુકામાં 43 ઇંચ જેટલો વરસાદ
તેમણે ઉમેર્યું કે, વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે રહ્યું છે અને એમાં પણ ઉમરગામ તાલુકામાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ થયો છે. છેલ્લા 28 કલાકમાં ઉમરગામ તાલુકામાં 43 ઇંચ જેટલો વરસાદ થયો છે અને વલસાડ જિલ્લાના વિવિધ ભાગોમાં કપરાડા, વાપી વિસ્તારોમાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ છે.
તેમણે જણાવ્યું કે, અગમચેતીના ભાગરૂપે સરકારે લીધેલા પગલાંઓની વિગતો આપતા કહ્યું હતું કે, વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને અગમચેતીના પગલારૂપે બુધવારથી જ NDRF અને SDRFની ટીમ ત્યાં ડિપ્લોય કરી દેવામાં આવી હતી. સુરત, નવસારી અને વલસાડમાં મોટા પ્રમાણમાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે. આ દરમિયાન માત્ર તાપીમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનો અહેવાલ છે.
તેમણે કહ્યું કે, સુરતમાં 3 NDRF અને 5 SDRF ટીમો કાર્યરત છે. વલસાડમાં 2 NDRF અને 4 SDRF ટીમો કાર્યરત છે. વધારાની એક NDRF અને એક SDRF ટીમ મોકલવામાં આવી રહી છે તેમજ નવસારીમાં 2 SDRF ટીમો છે અને 1 NDRF ટીમ સુરતથી ત્યાં પહોંચશે.
વલસાડમાં આર્મીના 70 જવાનોની ટીમ અને 5 બોટ મોકલવામાં આવી
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રને બચાવ રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં મદદરૂપ થવા માટે 3 NDRF તથા 5 SDRFની ટીમ કાર્યરત છે. નવી દિલ્હીથી NDRFની 2 ટીમ આજે પહોંચશે. એટલું જ નહિ, આર્મીના 70 જવાનોની ટીમ અને 5 બોટ તથા 25 વ્યક્તિઓની ફાયરની ટીમ મોકલવામાં આવી રહી છે તે પણ વલસાડ પહોંચીને ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રની મદદમાં રહેશે.
સૌરાષ્ટ્રમાં પણ NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય છે તેમજ રાજ્યમાં કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા તમામ વિસ્તારોમાં પણ ટીમો સ્ટેન્ડબાય રાખી હોવાની વિગતો તેમણે આપી હતી