Wed Jun 17 2026

Logo

ક્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા ડૉક કર્મચારીના  કુટુંબનો પચાસ લાખ રૂપિયાનો દાવો ફગાવાયો

2026-04-13 17:48:21
Author: યોગેશ ડી. પટેલ
Article Image

તેણે સલામતીનાં સાધનો વિના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો: એમએસીટી

થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2019માં ક્રેનની નીચે કચડાઇ મૃત્યુ પામેલા 32 વર્ષના ડૉક કર્મચારીના કુટુંબીજનો દ્વારા પચાસ લાખ રૂપિયાના વળતર માટે કરાયેલો દાવો ફગાવી દીધો હતો. એમએસીટીએ નોંધ્યું હતું કે તેણે સલામતીનાં સાધનો વિના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. એમએસીટીના સભ્ય કે.પી. શ્રીખંડેએ અવલોકન કર્યું હતું કે કિરણ લહાનું કોરાડેનું મૃત્યુ દુ:ખદ હતું, પરંતુ ક્રેન ઑપરેટર દ્વારા પૂરપાટ વેગે અને બેદરકારીપૂર્વક વાહન હંકારવાનું સાબિત કરવામાં અરજદાવો નિષ્ફળ ગયા હતા.

એમએસીટીએ નોંધ્યું હતું કે અકસ્માત ઉરણના દ્રોણગીરીમાં ક્ધટેઇનર ફ્રેઇટ સ્ટેશન (સીએફએસ) ખાતે પ્રતિબંધિત ‘નો મેન્સ ઝોન’માં થયો હતો. લોજિસ્ટિક કંપનીમાં ડૉક ક્લર્ક કોરાડે સીબર્ડ મરીન સર્વિસીસ સીએસએફના પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી ગયો હતો અને 3 મે, 2019ના રોજ થયેલા અકસ્માત માટે જવાબદાર હતો.કોરાડની પત્ની અને પરિવારના અન્ય સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે ક્રેન બેદરકારીપૂર્વક ચલાવાઇ હતી અને તેને કચડી નાખવામાં આવ્યો હતો.

જોકે ટ્રિબ્યુનલે શોધી કાઢ્યું હતું કે મૃતકે સલામતીની ચેતવણીઓને અવગણી હતી, જેમાં મશીન પર લાલ અક્ષરે લખેલું ચિહ્ન હતું કે ‘મશીનથી 10 મીટર દૂર રહો.’ ટ્રિબ્યુનલે એવું પણ નોંધ્યું હતું કે ક્રેન ઑપરેટરનું ધ્યાન સ્વાભાવિક રીતે ઊંચાઇ પર ભારે ક્ધટેઇનર મૂકવા પર હોય છે, જેને કારણે જમીન પર અનધિકૃત વ્યક્તિઓને જોવાનું મુશ્કેલ બને છે. ટ્રિબ્યુનલે એ હકીકતની પણ નોંધ લીધી હતી કે પરિસરના માલિક સીબર્ડ મરીન સર્વિસીસ પ્રા.લિ. દ્વારા પહેલેથી જ મૃતકની પત્નીને સંપૂર્ણ અને અંતિમ સમાધાન તરીકે 31 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. (પીટીઆઇ)