Sat Sep 05 2026

Logo

અકસ્માતમાં ઘવાયેલી નોકરાણી, દરજીને 28.68 લાખનું વળતર ચૂકવવાનો આદેશ...

2026-02-23 17:56:28
Author: Yogesh D. Patel
અકસ્માતમાં ઘવાયેલી નોકરાણી, દરજીને 28.68 લાખનું વળતર ચૂકવવાનો આદેશ...

થાણે: થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2018માં અકસ્માતમાં કાયમી દિવ્યાંગતા બદલ મહિલા દરજીને 20.9 લાખ રૂપિયા અને નોકરાણીને 7.7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

મહિલા દરજીને તેના બંને ઘૂંટણના નીચેના હિસ્સામાં લકવાને કારણે 80 ટકા કાયમી દિવ્યાંગતાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એમએસીટીએ કાર્યાત્મક દિવ્યાંગતા પચાસ ટકા નક્કી કરી હતી અને નોંધ્યું હતું કે આધુનિક ઇલેક્ટ્રિક સિલાઇ મશીનનો હાથ અને કોણીનો ઉપયોગ કરીને ચલાવી શકાય છે.

એમએસીટીનાં સભ્ય આર.વી. મોહિતેએ 12 ફેબ્રુઆરીએ બે અલગ અલગ આદેશ જારી કર્યા હતા જેમાં ટ્રેલર ટ્રકની વીમા કંપનીને પ્રથમ વળતરની રકમ ચૂકવવા અને બાદમાં વીમા શરતોના ભંગને કારણે વાહનમાલિક પાસેથી તે રકમ વસૂલવાના નિર્દેશ આપ્યા હતા. 

24 એપ્રિલ, 2018ના રોજ આ અકસ્માત થયો હતો, જ્યારે નોકરાણી રત્ના વિજય ભાગવ (44) અને દરજી સાયલી વિજય સાળુંખે (35) લક્ઝરી બસમાં પ્રવાસ કરી રહી હતી.
વલસાડ જિલ્લામાં બ્રિજ નજીક બસ પહોંચી ત્યારે નેશનલ હાઇવે પર પહેલા ટ્રેક પર કોઇ સિગ્નલ, લાઇટ કે સંકેત વિના પાર્ક કરાયેલા ટ્રેલર સાથે તે અથડાઇ હતી.

આ અકસ્માતમાં બસના બંને ડ્રાઇવરનાં મોત થયાં હતાં, જ્યારે અનેક પ્રવાસીઓ ગંભીર ઇજા પામ્યા હતા. મોહિતેએ અવલોકન કર્યું હતું કે આ અકસ્માત ‘સંપૂર્ણ બેદરકારી’નો કેસ છે. (પીટીઆઇ)