થાણે: થાણે જિલ્લામાં ગરીબ મહિલાઓ પાસે અનધિકૃત રીતે વારંવાર ઍગ ડૉનેટ કરાવવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હોઇ આ પ્રકરણે ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ગરીબ નિર્બળ મહિલાઓને ઍગ ડૉનેટ કરવા માટે મનાવી લીધા બાદ સર્કલ દીઠ પચીસ હજારથી 30 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. બાદમાં વારંવાર ઍગ ડૉનેટ માટે તેમનો ઉપયોગ કરાતો હતો. મહિલાઓને આઇવીએફ સેન્ટરોમાં લઇ જવામાં આવતી હતી, જ્યાં સર્જરી કરીને ઍગ કાઢી લેવાયા બાદ તેને લાખો રૂપિયામાં વેચવામાં આવતા હતા. અત્યાર સુધી કમસેકમ 20 મહિલાઓ આ કૌભાંડનો ભોગ બની હોવાનું સામે આવ્યું હતું.
બદલાપુર પૂર્વમાં જોવેલી ખાતે રહેણાક અપાર્ટમેન્ટ અને સોનોગ્રાફી સેન્ટરમાંથી ચલાવવામાં આવી રહેલા આ અનધિકૃત ઍગ ડૉનેટ કૌભાંડ પ્રકરણે ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ધરપકડ કરાયેલી મહિલાઓની ઓળખ સુલક્ષણા ગાડેકર (44), અશ્ર્વિની ચાબુસ્વાર (29) અને મંજૂષા વાનખેડે (46) તરીકે થઇ હતી.
થાણે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના પ્રમુખ તબીબી અધિકારી ડૉ. જ્યોત્સ્ના સાવંતને એક પીડિતાએ આ અંગે માહિતી આપી હતી, જેને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ નેનો સિટી બિલ્ડિંગમાં ગાડેકરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કેસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમને પ્રેગનન્સી માટે ઉપયોગ કરાતાં ઇન્જેક્શન્સના ફોટા, સોનાગ્રાફી રિપોટર્સ, ખોટા નામે એફિડેવિટ્સ, નકલી દસ્તાવેજો, મોબાઇલ ફોન પર આર્થિક વ્યવહારના પુરાવા મળ્યા છે, જે અંગે તપાસ ચાલી રહી છે.
આરોપીઓ જરૂરતમંદ મહિલાઓને લક્ષ્ય બનાવતી હતી અને સર્કલ દીઠ પચીસ હજાર રૂપિયાથી 30 હજાર રૂપિયા તેમને ચૂકવવામાં આવતા હતા. પીડિતાને ત્યાર બાદ અંડબીજ વધી શકે એ માટે હોર્મોનનાં ઇન્જેક્શન અપાતાં હતાં અને ડૉનર તરીકે વારંવાર ઉપયોગ કરીને શારીરિક રીતે તેમનું શોષણ કરવામાં આવતું હતુંય આ પ્રક્રિયામાં અંડબીજ વધારવા માટે મહિલાને હોર્મોનનું ઇન્જેક્શન અપાયા બાદ સોનોગ્રાફી કરાતી હતી. ઍગ તૈયાર થઇ ગયા બાદ પીડિતાને આઇવીએફ સેન્ટરમાં મોકલવામાં આવતી હતી, જ્યાં સર્જરી કરી ઍગ કાઢીને લાખો રૂપિયામાં વેચાતા હતા, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
ઉલ્હાસનગરના ડેપ્યુટી પોલીસ કમિશનર સચિન ગોરેએ કહ્યું હતું કે આ કૌભાંડમાં 20થી વધુ મહિલાઓ ભોગ બની હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ કૌભાંડ વાંગણીમાં ચલાવવામાં આવતું હતું, જ્યાંથી બદલાપુરમાં તે ખસેડવામાં આવ્યું હતું.