Sun Mar 08 2026

Logo

થાણે કોર્ટે 2018ના હત્યાકેસમાં મજૂરને નિર્દોષ જાહેર કર્યો...

1 week ago
Author: Yogesh C Patel
Article Image

થાણે: થાણે જિલ્લાની કોર્ટે 2018માં ચાકુના ઘા ઝીંકીને શખસની હત્યાના કેસમાં ગુરુવારે 21 વર્ષના મજૂરને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે સાક્ષીદારોની જુબાનીમાં વિસંગતિઓ હોવાની નોંધ કરી હતી. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ.બી. અગ્રવાલે ગુરુવારે આરોપી સૂરજ શામરાજ સહાનીને શંકાનો લાભ આપ્યો હતો. સૂરજ સહાનીની ડિસેમ્બર, 2018માં ધરપકડ કરવામાં આવી હતી. 

તપાસકર્તા પક્ષે આક્ષેપ કર્યો હતો કે 30 ડિસેમ્બર, 2018ની રાતે ઘોડબંદર રોડ નજીક સહાનીએ મોબાઇલ ફોનને લઇ થયેલા વિવાદ બાદ જુનૈદ શકીલ શેખ પર ચાકુના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી, જ્યારે અભિષેક સિંહને ઘાયલ કર્યો હતો.જોકે કોર્ટે મૃતક જુનૈદના ભાઇ, માતા અને ઘાયલ મિત્ર સહિતના સાક્ષીદારોની જુબાનીમાં નોંધપાત્ર વિરોધાભાસ હોવાનું નોંધ્યું હતું. ભાઇ અને માતાએ દાવો કર્યો હતો કે તેઓ પગપાળા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ઘાયલ સાક્ષીએ જુબાની આપી હતી કે તેઓ ટૂ-વ્હીલર પર જઇ રહા હતા.

જજ અગ્રવાલે જાહેરમાં આ ઘટના બની હોવા છતાં ઘટનાક્રમ પુરવાર કરવામાં તપાસકર્તા પક્ષની નિષ્ફળતા અને સ્વતંત્ર સાક્ષીઓના અભાવ પર પ્રકાશ પાડ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે સ્વતંત્ર સાક્ષીઓની તપાસ કરવામાં આવી નથી. ઉપરાંત ત્રણ સાક્ષીના પુરાવામાં વિસંગતિઓ છે, જેને કારણે શંકા ઊભી થાય છે કે શું તેઓ ઘટના સમયે ખરેખર હાજર હતા? કોર્ટે સહાનીને તાત્કાલિક મુક્ત કરવનો આદેશ આપ્યો હતો, જેણે ટ્રાયલ દરમિયાન સાત વર્ષ જેલમાં વિતાવ્યા હતા. (પીટીઆઇ)