Tue Sep 08 2026

Logo

થાણે કોર્ટે ચોરીની શંકા પરથી યુવકની હત્યાના કેસમાં ચાર જણને નિર્દોષ જાહેર કર્યા

2026-07-30 17:53:45
Author: Yogesh D. Patel
થાણે કોર્ટે ચોરીની શંકા પરથી યુવકની હત્યાના કેસમાં ચાર જણને નિર્દોષ જાહેર કર્યા

થાણે: ચોરીની શંકા પરથી 30 વર્ષના યુવકને વીજળીના થાંભલા સાથે બાંધ્યા બાદ બેરહેમીથી ફટકારીને તેને મારી નાખવાના આરોપનો સામનો કરી રહેલા ચાર જણને થાણેની કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. સેશન્સ કોર્ટના જજ આર.ડી. સાવંતે 27 જુલાઇના પોતાના આદેશમાં પુરાવાનો અભાવ, ટેસ્ટ આઇડેન્ટિફિકેશન અને સાક્ષીદારોએ ફેરવી તોળ્યું હોવાનું નોંધ્યું હતું.

ભાયંદર પૂર્વના નવઘરમાં 11 સપ્ટેમ્બર, 2017ના રોજ બનેલી આ ઘટના બાદ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં રાજેશ સુરેશ નિશાદ, હરિમોહન સુંદર નિશાદ, વિષ્ણુ ચંદ્રભાન યાદવ અને નરસિંહ પારસ યાદવનો સમાવેશ હતો.

રમેશ શિવરાજ પાટીલ નામના યુવકને નાયલોનની રસ્સીથી વીજળીના થાંભલા સાથે બાંધ્યા બાદ લાઠીથી તેને બેરહેમીથી તેને ફટકારવાનો આરોપ છે. રમેશ પાટીલના મગજમાં ઇજા થઇ હતી અને તેને કારણે તેનું મૃત્યુ થયું હતું.

કોર્ટે નોંધ્યું હતું કે મુખ્ય સાક્ષીદારો તપાસકર્તા પક્ષને ટેકો આપવામાં નિષ્ફળ ગયા હતા, જ્યારે એફઆઇઆર નોંધાવનાર વ્યક્તિ જુબાની નોંધાવવા માટે આગળ આવી નહોતી. જજે નોંધ્યું હતું કે ઓળખપરેડ 58 દિવસના વિલંબ બાદ કરવામાં આવી હતી. 

આરોપીઓના સ્વૈચ્છિક નિવેદન અને તેમના કહેવા પર વસ્તુઓની જપ્તી સિવાય રેકોર્ડ પર અન્ય કોઇ પુરાવા નથી, એમ કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઇ)