Tue Mar 10 2026

Logo

થાણેના ઘોડબંદર રોડ પરના  ટ્રાફિકમાં મળશે રાહત થાણે કોસ્ટલ રોડથી ખારેગાવ-ગાયમુખનો પ્રવાસ ફક્ત ૧૫ મિનિટમાં પાર કરી શકાશે

3 weeks ago
Author: sapna desai
Article Image

બે તબક્કામાં બની રહેલો કોસ્ટલ રોડના પહેલા તબક્કાનો રોડ ડિસેમ્બર ૨૦૨૮માં ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે
: થાણેમાં દિવસને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, તેમાં પણ ઘોડબંદર રોડ પરના ટ્રાફિકની અસર છેક મુંબઈ-અમદાવાદ હાઈવે પણ થઈ રહી છે. થાણેમાં ટ્રાફિકની સમસ્યાને માત આપવામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ થાણે કોસ્ટલ રોડ પ્રોેજેક્ટ હાથ લીધો છે, જેમાં પહેલા તબક્કામાં ખારેગાવ-ગાયમુખ વચ્ચેના ૧૩.૪૫ કિલોમીટરના પટ્ટાનું કામ ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનું આયોજન છે.

એમએમઆરડીએના જણાવ્યાં મુજબ પહેલા તબક્કાનું કામ ઝડપી ગતિએ પાર પાડવામાં આવવાનું છે. અત્યાર સુધી ખારેગાવ-ગાયમુખ વચ્ચેના પટ્ટામાં પાયાભરણીનું કામ ૫૦ ટકા જેટલું પૂર્ણ થયું છે.  આ રોડ ચાલુ થયા બાદ ઘોડબંદર રોડ પરની ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકોને મોટી રાહત મળી રહેશે પણ સાથે જ ખારેગાવથી ગાયમુખનું અંતર જેને પાર કરવામાં હાલ પોણો કલાકથી વધુ સમય જાય છે તે ફક્ત ૧૫ મિનિટમાં પાર કરી શકાશે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ટ્રાફિકની સમસ્યાને માત આપવા માટે એમએમઆરડીએ દ્વારા અનેક માળખાકીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં થાણે શહેરના અંતર્ગત રહેલી ટ્રાફિકની સમસ્યાને માત આપવા માટે ઘોડબંદર રોડ પર થાણે કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવવાનો છે. બે તબક્કામાં થાણે કોસ્ટલ રોડ બાંધવામાં આવવાનો છે. પહેલા તબકકામાં ખારેગાવ-ગાયમુખ ૧૩.૪૫ કિલોમીટરનો પટ્ટો અને બીજા તબક્કામા બાળકુમથી આનંદનગરના સાત કિલોમીટરના પટ્ટાનો સમાવેશ થાય છે.

પહેલા તબક્કામાં ખારેગાવ-ગાયમુખના પટ્ટાનું કામ આઠ મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. આઠ મહિનાના સમયગાળામાં અનેક મહત્ત્વના કામ પૂરા કરવામાં આવ્યાં હોવાનું એમએમઆરડીએ દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું. બ્રિજને ઊભો કરવાનું ૫૦ ટકા કામ પૂર્ણ થયું હોઈ હાલ પિઅર કૅપ અને આઈ-ગર્ડર ઊભા કરવાનું કામ ચાલી રહ્યું છે.

થાણે કોસ્ટલ રોડ થાણે સર્કલ મેટ્રો, સાકેત-આમણે એલિવેટેડ રોડ, કાસારવડવલી-
ખારેગાવ રોડ જેવા અનેક પ્રોજેક્ટ સાથે જોડવામાં આવવાનો છે. તેથી ભવિષ્યમાં પ્રવાસ વધુ સુવિધાજનક બની રહેશે. આ દરમ્યાન ૨,૭૦૦ કરોડ રૂપિયાનો છ લેનનો ખારેગાવ-ગાયમુખ થાણે કોસ્ટલ રોડ-એકનું કામ ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન હોવાનું એમએમઆરડીએ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. હાલ આ અંતર પાર કરવામાં પોણો કલાકથી વધુ સમય લાગે છે. બીજા તબક્કામાં બાળકુમ-આનંદરનગર થાણે કોસ્ટલ રોડ-બેનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ હાલ ચાલી રહ્યું છે. ડ્રાફ્ટ તૈયાર થઈને  તેને મંજૂરી મળ્યા બાદ કામ શરૂ કરવામાં આવશે.