મુંબઈઃ શહેરના પૂર્વ અને પશ્ચિમ પરાં થાણે અને બોરીવલી વચ્ચેનો પ્રવાસ સુગમ બનાવવા માટે ટ્વીન ટનલ યોજના શરુ કરવામાં આવી છે. તે માટે ટનલ બોરિંગ મશીન મંગાવવાથી લઈને લોન્ચિંગ શાફ્ટ તૈયાર કરવા સુધીના કાર્યો પ્રગતિમાં હોવાના સમાચાર આવતા રહે છે. પણ હકીકતમાં ટનલ બનાવવાનું કાર્ય હજી શરુ થયું નથી. મળતી માહિતી મુજબ તેની શરૂઆત માર્ચ મહિનામાં થવાની હતી. પણ હવે ફરી એક વખત તેમાં મોડું થવાની જાણકારી એમએમરડીએ દ્વારા આપવામાં આવી છે.
એમએમઆરડીએ દ્વારા મળેલી જાણકારી અનુસાર હવે ટનલનું કાર્ય એપ્રિલના પહેલા અઠવાડિયામાં શરુ થવાની અપેક્ષા છે. 18,000 કરોડ રૂપિયાના ખર્ચે થાણે-બોરીવલી વચ્ચે 11.8 કિમી લાંબી ટ્વીન ટનલ પ્રવાસનું અંતર ઘટાડીને માત્ર 12 મિનિટ કરશે તેવો દાવો થઇ રહ્યો છે. થાણે તરફ લોન્ચિંગ શાફ્ટ તૈયાર થઇ ગયો છે, જ્યારે બોરીવલીના છેડા તરફ હજી શાફ્ટ પણ તૈયાર થયો નથી. પુનર્વસન બાબતનો નિવેડો આવ્યો નહીં હોવાથી તેનું કામકાજ રખડી પડ્યું છે.
થાણે બાજુથી 'નાયક' નામનું ટીબીએમ મશીન શાફ્ટમાં ઉતારીને ખોદકામ શરુ કરવાની યોજના હતી, જે હવે એપ્રિલમાં શરુ થવાની જાહેરાત કરવામાં આવી છે.
એમએમરડીએની યોજના મુજબ આ પ્રોજેક્ટ 2028 સુધીમાં પૂરો કરવાનો છે. પણ બોરીવલી તરફ અટકી પડેલા કાર્યને કારણે આ લક્ષ્ય પૂરું થાય તેવા કોઈ આસાર અત્યારે તો દેખાતા નથી. છતાં, એમએમરડીએ એમ કહી રહ્યું છે કે બોરીવલી તરફથી પણ કામ જલ્દી શરુ કરવામાં આવશે.
નોંધનીય છે કે પૂર્વના પરાંઓમાં જેટલા પણ માળખાગત પ્રોજેક્ટ્સ છે, તે બધા જ સમય સીમા કરતાં પાછળ ચાલી રહ્યા છે. પછી તે મેટ્રો 4 હોય, કે ટ્વીન ટનલ હોય.