Mon Aug 31 2026

Logo

સ્વાઈન ફ્લૂ અને સિઝનલ ફ્લૂના કેસમાં વધારો: જાણો કોના માટે છે વધુ જોખમી અને શું રાખવી સાવચેતી

2026-08-25 19:10:42
Author: Devayat Khatana
સ્વાઈન ફ્લૂ અને સિઝનલ ફ્લૂના કેસમાં વધારો: જાણો કોના માટે છે વધુ જોખમી અને શું રાખવી સાવચેતી

છેલ્લા કેટલાક દિવસોથી H1N1 (સ્વાઈન ફ્લૂ) અને ફ્લૂના કેસમાં સતત વધારો થઈ રહ્યા હોવાના અહેવાલ છે. હોસ્પિટલ અને OPDમાં તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને શરીરમાં કળતરની ફરિયાદ લઈને આવનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. 

જોકે, તબીબોના મતે આનાથી ગભરાવાની જરૂર નથી. H1N1 હવે કોઈ નવો વાયરસ નથી, તે ઇન્ફ્લુએન્ઝા-A નો જ એક પ્રકાર છે જે હવે સિઝનલ ફ્લૂનો હિસ્સો બની ગયો છે. મોટા ભાગના લોકો થોડા દિવસોમાં સાજા થઈ જાય છે, પરંતુ દરેક દર્દી માટે આનું જોખમ સરખું હોતું નથી. સ્વસ્થ યુવાનો કરતા પહેલેથી જ અન્ય બીમારીઓ ધરાવતા લોકો માટે તે વધુ જોખમી સાબિત થઈ શકે છે.

જોકે,  65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને પાંચ વર્ષથી નાના બાળકો માટે વધુ સાવચેતી જરૂરી છે. તબીબોના મતે જો વૃદ્ધોને ડાયાબિટીસ, હાર્ટ કે કિડનીની બીમારી હોય તો ફ્લૂને જરા પણ હળવાશથી ન લેવો જોઈએ. ઘણીવાર વૃદ્ધોને સખત તાવ નથી આવતો પણ જો અચાનક વધુ નબળાઈ લાગે, શ્વાસ ચઢે કે ખોરાક ઓછો થઈ જાય તો તેમણે તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ તેવી ભલામણ ડોકટરોએ કરી રહ્યા છે. એ જ રીતે, નાના બાળકો જો સુસ્ત થઈ જાય, દૂધ કે પ્રવાહી લેવાનું બંધ કરી દે, વારંવાર ઉલટી કરે અથવા શ્વાસ ઝડપી બની જાય તો વાલીઓએ તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.

જે લોકો પહેલાથી જ ડાયાબિટીસ, અસ્થમા, COPD કે હૃદયરોગ જેવી ક્રોનિક બીમારીથી પીડિત હોય તેમની માટે આ ફ્લૂ ચિંતાજનક છે. ઇન્ફેક્શન સમયે ડાયાબિટીસના દર્દીઓનું સુગર લેવલ અચાનક વધી શકે છે. કેન્સરની સારવાર લેતા અને નબળી ઇમ્યુનિટી ધરાવતા દર્દીઓ હાઇ-રિસ્ક કેટેગરીમાં આવે છે. 

સગર્ભા મહિલાઓએ પણ ગર્ભાવસ્થા દરમિયાન થતા શારીરિક ફેરફારોને કારણે ખાસ કાળજી લેવી જોઈએ. આવા દર્દીઓએ તાવ કે ફ્લૂના લક્ષણો જણાય તો બે-ત્રણ દિવસ ઘરે રાહ જોવાને બદલે કે પોતાની જાતે દવા લેવાને બદલે સમયસર ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ તેવી સલાહ તબીબોએ આપી રહ્યા છે. 

જોકે, એ પણ ખાસ ધ્યાનમાં લેવું કે દરેક H1N1 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. મોટા ભાગના લોકો ઘરે પૂરતો આરામ અને પ્રવાહી લેવાથી સાજા થઈ જાય છે. પરંતુ જો શ્વાસ લેવામાં તકલીફ પડે, ઓક્સિજન લેવલ ઘટે, છાતીમાં દુખાવો થાય કે સાજા થયા પછી ફરી તેજ તાવ અને ઉધરસ શરૂ થાય તો તરત હોસ્પિટલ જવું. 

લોકો સામાન્ય તાવમાં પણ જાતે જ એન્ટીબાયોટીક લેવાનું શરૂ કરી દે છે, જે તદ્દન ખોટું છે. H1N1 એક વાયરલ ઇન્ફેક્શન હોવાથી તેના પર એન્ટીબાયોટીક કામ કરતી નથી. ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીવાયરલ કે અન્ય દવાઓ લેવી જોઈએ.