(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારનો દિવસ વિપક્ષના વિરોધ પ્રદર્શનને કારણે ગાજ્યો હતો. વિપક્ષી વિધાનસભ્યોએએ વિધાનભવનના પગથિયાં પર પહેલાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બાદમાં ગૃહમાં ટીઈટીના પેપર લીકના મામલે ભારે સવાલો કરીને સરકારના વિરોધમાં વોકઆઉટ કર્યું હતું. શિક્ષકો માટેની અત્યંત મહત્ત્વની પરીક્ષાના પેપરને લીક થતાં રોકવામાં રાજ્ય સરકાર પર સંપૂર્ણ રીતે નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.
સોમવારે વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલુ થતાં જ નાના પટોલે સહિતના વરિષ્ઠ નેતાઓએ એવો આરોપ લગાવ્યો હતો કે ટીઈટી અને નીટની પરીક્ષાના પેપર લીક થવા પાછળના લોકો ભાજપ સાથે સંકળાયેલા છે અને પરીક્ષા પ્રક્રિયાની વ્યાપક તપાસની માગણી કરી હતી.ટીઈટીની પરીક્ષાના પેપર લીક અને મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની પરીક્ષાઓ ઓનલાઈન પદ્ધતિએ લેવાના નિર્ણય અંગે વિપક્ષી સભ્યોએ રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસના સતેજ પાટિલ, શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવે અને એનસીપી (એસપી)ના નેતા જીતેન્દ્ર આવ્હાડના નેતૃત્વમાં, વિપક્ષી વિધાનસભ્યોએ વિધાન ભવનના પગથિયાં પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.ગૃહમાં આ મુદ્દો ઉઠાવતા, કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે એવો દાવો કર્યો હતો કે વારંવાર પેપર લીક થવાથી રાજ્યની છબી ખરડાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
ગૃહની કાર્યવાહી ચાલુ થતાં જ વડેટ્ટીવારે એવી માગણી કરી હતી કે પેપર લીકના મુદ્દે ગૃહમાં ચર્ચા કરવામાં આવે અને આખા દિવસની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે લાખો ઉમેદવારોએ ઘણા વર્ષોથી પરીક્ષાની તૈયારીઓ કરી હોવા છતાં સરકાર પારદર્શક રીતે પરીક્ષા લઈ શકી ન હોવાથી તેમને નિરાશ થવું પડ્યું છે. કોંગ્રેસના વિધાનસભ્યે ટીઈટીની પરીક્ષાના પેપર લીકની વ્યાપક તપાસ કરાવવાની માગણી કરતાં પ્રશ્ર્નપત્રો તૈયાર કરવામાં સામેલ એજન્સીઓ, પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલી કંપનીઓ અને કથિત રેકેટ પાછળના સમગ્ર નેટવર્કની તપાસ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો.
આ પ્રકરણે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અન્ય રાજ્યોના વ્યક્તિઓ સાથેના તેમના કથિત સંબંધો એક મોટા નેટવર્ક તરફ નિર્દેશ કરે છે જેનો પર્દાફાશ થવો જોઈએ, એવી માગણી તેમણે કરી હતી. 2018ના ટીઈટી કૌભાંડનો ઉલ્લેખ કરતાં વડેટ્ટીવારે એવો આરોપ લગાવ્યો હતો કે આરોપીઓમાંના એક અભિષેક સાવરીકરને પાછળથી ભાજપમાં સામેલ કરવામાં આવ્યો હતો.
તેમણે ક્રિસ્ટલ નામની કંપનીની કથિત ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા અને એવો દાવો કર્યો હતો કે આ ઘટનાક્રમથી સરકાર આ મામલાને સંભાળવા સક્ષમ હોવા અંગે ગંભીર શંકાઓ ઉભી થઈ છે.વિધાનસભામાં વિગતવાર ચર્ચાની માગણી કરતા વડેટ્ટીવારે સરકારને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે નક્કર પગલાં જાહેર કરવા વિનંતી કરી. શાળા શિક્ષણ ખાતાના પ્રધાન દાદા ભૂસેએ કહ્યું હતું કે સરકાર વિગતવાર નિવેદન આપશે.પ્રધાન દ્વારા આપવામાં આવેલો જવાબ બેજવાબદાર અને અપૂરતો હોવાનો આરોપ લગાવતાં વિપક્ષે સરકારના વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
દિવસની કાર્યવાહી શરૂ થવા પહેલાં વિપક્ષના વિધાનસભ્યોએ વિધાન ભવનના પગથિયાં પર બેસીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું, સૂત્રોચ્ચાર કર્યા હતા કે ભિવંડીમાં ટીઈટીનું પેપર લીક થયું હતું, ત્યારે ‘પૈસા માલેગાંવ પહોંચ્યા,’ જે રાજ્યના પ્રધાન પર સીધો આક્ષેપ હતો. ‘ટીઈટી પેપર લીક ભાજપનું કામ છે. નીટ પેપર લીક કેસમાં પણ, જે લોકો કથિત રીતે સંડોવાયેલા છે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. અમે પૂછવા માંગીએ છીએ કે શું વિદ્યાર્થીઓના ભોગે નીટ અને ટીઈટી પરીક્ષાઓમાં કૌભાંડ થઈ રહ્યા છે એવો સવાલ કૉંગ્રેસી વિધાનસભ્ય નાના પટોલેએ કર્યો હતો.
PTI